ફરજિયાત પ્રિમિયમ વસૂલનારી ભાજપ સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ નીવડી: ધાનાણી

ગાંધીનગર- રાજ્યમાં ઓછા વરસાદને લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં 70 ટકા અછતની સ્થિતિ છે અને સરકાર નર્મદાના નીર પહોંચાડવામાં પણ નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. 54 ટકા થી વધુ તાલુકા અછતની પીડિત છે.તેને રાજય સરકારે અછત ગ્રસ્ત જાહેર કરવા જોઇએ તેવી માંગ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી છે. પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી કે, જમીન માં પાણી નથી.અને ચાલુ વર્ષે મગફળી અને કપાસનું ઉત્પાદન નહિવત થશે તેવી પરિસ્થિતિ નિર્માણ થયુ છે.સરકાર પાક વિમો ચુકવવામાં પણ નિષ્ફળ થયાનો આક્ષેપ લગાવ્યો.ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકારોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજ્‍યના 104 તાલુકાઓ કે જેમાં 65.54 ટકાથી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્‍ત વિસ્‍તાર તરીકે જાહેર કરવાની જરૂર હતી.

ભાજપ સરકારે કિન્નાખોરીપૂર્વક રાજ્‍યના ઓછા અને અનિયમિત વરસાદથી પીડાતા અને ગાંધીધામ કે જ્‍યાં ચાલુ સીઝનનો વરસાદ માત્ર 264 મીમી થયો છે તેનાથી ઓછો વરસાદ થયો હોય તેવા ૩૯ તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર ન કરીને અન્‍યાય કર્યો છે. ગુજરાતના 248 તાલુકા પૈકી આ 39 તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર, ઉત્તર ગુજરાતના કુલ 104 જેટલા તાલુકાઓ કે જેમાં ૧૯૮૮થી ૨૦૧૭ સુધીમાં 65.54 ટકાથી ઓછો વરસાદ થયો છે એવા તાલુકાઓ આજે ગુજરાતમાં અછતનો સામનો કરી રહ્યા છે. આ તાલુકાઓને પણ તાત્‍કાલિક અછતગ્રસ્‍ત જાહેર કરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ વતી મારી લાગણી અને માંગણી છે.

પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ નીવડયો છે ત્‍યારે ફરજીયાત પ્રિમિયમ વસુલનારી ભાજપ સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ નીવડી છે. પાક વીમો મેળવવા માટે ક્‍યાંક સામાન્‍ય ખેડૂતોને ધિગાણું કરવું પડે, ન્‍યાયપાલિકાના દરવાજા ખખડાવવા પડે તેવી પરિસ્‍થિતિનો સામનો આજે જગતનો તાત કરી રહ્યો છે.