રાજ્યસભામાં જવા રુપાલા-માંડવીયાએ ફોર્મ ભર્યાં, કોંગ્રેસમાં ભારે રસ્સાખેંચ

0
1260

ગાંધીનગર- ગુજરાતમાંથી રાજ્યસભામાં જતાં કુલ ચાર સભ્યો માટે ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ તરફથી ઘોષિત કરાયેલાં બે સભ્ય મનસુખ માંડવીયા અને પરસોતમ રુપાલાએ પોતાનાં ફોર્મ ભરી દીધાં છે. પંદરમી માર્ચે વિજેતા સાંસદોના નામ જાહેર કરવામાં આવશે. સામે કોંગ્રેસે નારણ રાઠવા અને અમીબહેન યાજ્નિકના નામ જાહેર કર્યાં છે. જેમાં અમીબહેનના નામનો વિરોધ કરતાં આજે કાર્યકરોએ જીપીસીસી ખાતે હોબાળો મચાવ્યો હતો અને મહિલા કોગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલે રાજીનામું મોકલી આપ્યું હતું.

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે સાઇકલ પર વિધાનસભામાં આવી પહોંચ્યાં હતાં. પરસોતમ રુપાલા અને મનસુખ માંડવીયા, એમ બંને ઉમેદવારોએ મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યસભા સાંસદ ઉમેદવારી માટેના ફોર્મ ભર્યાં હતાં.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટતાં તેના સાંસદોની સંખ્યા પણ ચારમાંથી બે થઇ ગઇ છે. શંકર વેગડ મેદાનમાંથી ખસી ગયાં છે અને અરુણ જેટલી રાજ્યસભામાં ગુજરાત બહારથી ઉમેદવારી કરીને રાજ્યસભામાં પહોંચશે. જ્યારે પરસોતમ રુપાલાને યથાવત રાખવામાં આવ્યાં છે.

કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં અહેમદ પટેલ પહેલાં જ રાજ્યસભા પહોંચી ગયાં છે ત્યારે બે બેઠક માટે આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં. પૂર્વ સાંસદ નારણ રાઠવા અને અમીબહેન યાજ્નિકના નામ રાજ્યસભા સાંસદ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે

અમીબહેન યાજ્ઞિક.

અમીબહેનના નામાંકન સામે ગુજરાત મહિલા કોંગ્રેસે ભારે વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેઓની પક્ષ માટેની કોઇ કામગીરી નથી તેવા સંજોગોમાં વરિષ્ઠ મહિલા નેતાઓને સાઇડમાં રાખી અમીબહેન યાજ્નિકને રાજ્યસભા મોકલવા યોગ્ય નથી. આ મુદ્દે મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબહેન પટેલે રાજીનામું આપી દીધું છે.કોંગ્રેસનો ડખો દિવસ દરમિયાન આગળ વધતાં વિરોધ વચ્ચે પણ અમીબહેને બપોરે દોઢ વાગ્યો પોતાનું ફોર્મ ભરી દીધું છે જ્યારે નારણ રાઠવા પાસે એનઓસી નહીં હોવાથી તેમની ઉમેદવારી અટવાઇ પડી છે. મળતાં સમાચાર મુજબ હાઇકમાન્ડ દ્વારા રાજીવ શુક્લાને ઉમેદવારી નોંધાવવા જણાવવામાં આવ્યું છે અને તેઓ દિલ્હીથી અમદાવાદ આવવા નીકળી ગયાં છે. અમદાવાદ એર પોર્ટ રન વે કોઇ કારણસર બંધ હોવાની વાતો વચ્ચે તેમનું પણ સમયસર ફોર્મ ભરાવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જોકે વધુ એખ નાટ્યાત્મક વળાંકમાં સીએલપી પરેશ ધાનાણીના જણાવ્યાં પ્રમાણે નારણ રાઠવાએ પોતાનું ફોર્મ ભર્યું છે.

સત્તાવાર જાહેર કરાયેલાં ઉમેદવારો સિવાય પણ બે અન્ય ઉમેદવારે ફોરેમ ભર્યાં હતાં. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાએ ત્રીજા ઉમેદવાર તરીકે અને કોંગ્રેસના પી કે વાલેરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાં હતાં.