લકી મનાતી વલસાડ સીટ પર યાદવાસ્થળી, ભાઈની સામે ભાઈ મેદાને પડશે ?

ગાંધીનગર– લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પક્ષનું શીર્ષ નેતૃત્વ ટિકીટ ફાળવણીમાં દિવસોથી મહામંથન કરી રહ્યું છે અને સદાય આગળ રહેતો પક્ષ હજુ ઘણાં ઉમેદવાર જાહેર કરી શક્યો નથી. આવા સંજોગોમાં જે બેઠકો પરથી નામ જાહેર કર્યાં છે તેમાં વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે અહી ઘર ફૂટે ઘર જાય તેવી વાત ભાજપ માટે બને તો નવાઈ નહીં. ભાજપે આ બેઠક પરથી વર્તમાન સાંસદ કે સી પટેલને રીપિટ કર્યાં છે ત્યારે તેમના જ સગાં નાના ભાઈએ બળવાનો સૂર કાઢ્યો છે.ભાજપે રાજ્યની વલસાડ બેઠક પરથી વર્તમાન સાસંદ કે.સી. પટેલને રીપિટ કરતાં તેમના નાના ભાઈ ડૉ.ડી.સી. પટેલ વિરોધનો સૂર કાઢી રહ્યાં છે. ડી.સી. પટેલનું કહેવું છે કે આ વખતે તેમનું નામ ભાજપની પસંદગી પ્રક્રિયામાં ટોચ પર હતું. ટિકિટ કપાયા બાદ નારાજ થયેલાં ડી.સી. પટેલે કોંગ્રેસ ઑફર આપે તો જોડાવાની અને વલસાડ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવતાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

કે સી પટેલ

આપને જણાવીએ કે કહેવાય છે કે વલસાડ બેઠક પરથી જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. ત્યારે લકી મનાતી બેઠક પરની યાદવાસ્થળી કોંગ્રેસને ફાયદો કરાવી જાય તેવો ઘાટ ઘડશે.

ડોક્ટર ડી.સી.પટેલ ધરમપુરમાં તબીબ તરીકે લોકચાહના ધરાવે છે. તેઓ તબીબના વ્યવસાયની સાથે સામાજિક કાર્યો પણ કરે છે. તેમનો દાવો છે કે વર્ષ 2014માં પણ તેઓ ચૂંટણી લડવાના હતા પરંતુ ત્યારે ભાઈને મદદ કરી આપી હતી.

ફાઈલ ચિત્ર

ડૉ. ડી.સી. પટેલે કહ્યું, ‘જો કોંગ્રેસ મારો સંપર્ક કરશે તો હું ચોક્કસ વિચારીશ. મેં હજુ સુધી કોંગ્રેસનો સંપર્ક કર્યો નથી. સમર્થકો કહેશે તો ચોક્કસપણે હું વિચારીશ. ડૉ. ડી.સી. પટેલે કહ્યું, ‘હું એટલો હતાશ થઈ ગયો છું. હું જનસંઘથી ભાજપનો કાર્યકર છું. પ્રજાની લાગણી હતી. મારું નામ ટોપ પર હતું. મારી લાગણીને ચકનાચૂર કરી નાખી છે. પ્રજા કહેશે તો ચોક્કસ વિચારીશ. કોંગ્રેસ આદેશ આપે તો પ્રજાજનો પાસે જઈને અને આ બાબતે વિચાર કરીશ. હું સામેથી સંપર્ક નહીં કરું, હું એ બાબતે કઈ કહેવા નથી માગતો.”