બિટકોઇન કેસઃ નલીન કોટડીયા ભાગેડુ જાહેર થયાં, સેશન્સે હાજર થવા આપી આ મુદત

0
936

અમદાવાદ: બિટકોઇન તોડકાંડ મામલે ભૂગર્ભમાં ઉતરી ગયેલાં નલીન કોટડીયાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે. સેશન્સ કોર્ટે કરેલા હુકમ પ્રમાણે ભાગેડુ નલીન કોટડીયાને 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવા માટે સમય આપવામાં આવ્યો છે.નલીન કોટડીયા આપેલી મુદતમાં હાજર ન થાય તો તેમની મિલકત જપ્ત કરવામાં માટેની અરજી પણ કરવામાં આવી શકે છે. કોર્ટ દ્વારા આ કેસમાં અન્ય એક આરોપી જતીન પટેલ સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. નલીન કોટડીયાને શોધવા એક તપાસ ટીમ નેપાળ પણ જઇ આવી હતી જ્યાં તેઓ ન મળતાં કોર્ટ સમક્ષ તેમને સીઆઈડી ક્રાઈમ દ્વારા ભાગેડુ જાહેર કરવા અરજી કરવામાં આવી હતી.

અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આ વોરંટ ઇશ્યૂ કર્યું છે. સૂરતના વ્યવસાયીના અપહરણ અને છૂટકારા સાથે શરુ થયેલ બિટકોઇન કૌભાંડનો રેલો આખરે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના પગ તળે પહોંચી ગયો છે.

અમરેલી એસપી સહિત છ અન્ય પોલિસ કર્મચારીઓને સંડોવતાં આ કૌભાંડમાં 12 કરોડની ખંડણીના કેસમાં ગુજરાત પોલિસ અને રાજકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચેલો છે. એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ મળેલાં પુરાવાઓ અને માહિતીમાં નલીન કોટડીયાનું નામ બહાર આવ્યું હતું અને ત્યારથી લઇને કોટડીયા ભૂગર્ભમાં ઊતરી ગયાં છે અને અજ્ઞાત સ્થળેથી વિવિધ માધ્યમો દ્વારા પોતાનો પક્ષ મૂકતાં રહ્યાં છે.