અમદાવાદમાં બંધની અસર, ધંધાવેપાર ઠપ થવા સાથે જનજીવન અસરગ્રસ્ત

અમદાવાદ– પેટ્રોલના ભાવ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યા છે. સતત વધતા જતા પેટ્રોલના ભાવ હાલની સત્તા પર બેઠેલી સરકાર નિયંત્રણ કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે  કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. કોંગ્રેસ અને સાથી દળોએ આપેલા ભારત બંધમાં અમદાવાદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.શહેરના પશ્ચિમના કેટલાય વિસ્તારોમાં ધંધા-રોજગાર ચાલુ રહ્યા હતાં. કેટલીક શાળા-કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા કાજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. બી.આર.ટી.એસ. બસો જેવી જાહેર સેવાઓને નુકસાન ન પહોંચે એ માટે બંધ રાખવામાં આવી હતી. શહેરના કોટ વિસ્તાર-મધ્યમાં મોટાભાગના બજારો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જેમાં રીલિફ રોડ, મિરઝાપુર રોડ, ભદ્ર, ઘીકાંટા વિસ્તારની દુકાનો-કોમ્પલેક્ષ બંધ કરી દેવામાં આવ્યા હતા.  સુરક્ષાના હેતુથી પોલીસ-એસ.આર.પી તેમ જ હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. તસવીરઃઃઅહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ