પ્રખર ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર ભગવતીકુમાર શર્માનું નિધન

0
1807

સુરત – ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ લેખક, કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે સુરતમાં દેહાવસાન થયું છે. એ 84 વર્ષના હતા.

‘ગુજરાત સાહિત્ય રત્ન’ એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સમ્માનિત ભગવતીકુમાર શર્માએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તાઓ, નિબંધ સહિત 80થી વધુ પુસ્તકો લખ્યા છે.

ભગવતીકુમાર શર્મા ‘કુમાર સુવર્ણ ચંદ્રક’, ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’, ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર’ અને ‘સાહિત્યરત્ન’ પુરસ્કારોથી સમ્માનિત થયા હતા.

1934ની 31 મેએ જન્મેલા શર્માએ પત્રકાર તરીકે એમની 50 વર્ષની કારકિર્દીમાં ઘણા ગુજરાતી અખબારોમાં કટાર લખી હતી.

એમના નિધનથી ગુજરાતી સાહિત્યજગત તથા પત્રકારજગતને મોટી ખોટ પડી છે.

ભગવતીકુમાર શર્માના નિધનના સમાચાર જાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શબ્દાંજલિ અર્પણ કરી.

ભગવતીકુમાર શર્માની અમુક રચનાઓ, જે મોઢે રહી ગઈ છે…

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.
*******

સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં,
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો.
*******

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે ,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

‘ચિત્રલેખા’માં 2017ની 18 સપ્ટેંબરના અંકમાં પ્રકાશિત ભગવતીકુમાર શર્મા સાથેની એક્સક્લુઝિવ મુલાકાત વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://chitralekha.com/BhagwatikumarSharma.pdf

(‘ચિત્રલેખા’માં ગયા વર્ષે પ્રકાશિત થયેલી ભગવતીકુમાર શર્માની વિડિયો મુલાકાત અહીં પુનઃ પ્રસ્તુત)