સાબરમતી નદીમાં સમાશે અટલજીના અસ્થિ, એરપોર્ટથી અસ્થિ વિસર્જન યાત્રા

અમદાવાદ– અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ વિસર્જિત બપોર બાદ કરવામાં આવશે. એરપોર્ટથી બપોરે સાડાત્રણ વાગ્યેથી તેમની અસ્થિ વિસર્જન યાત્રાની શરુઆત થશે. આજથી દેશભરમાં અસ્થિ કળશ યાત્રાની શરૂઆત થઇ રહી છે.ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે દરેક રાજ્યોને અટલજીનો અસ્થિ કળશ સોંપશે. અટલજીનો એક અસ્થિ કળશ ગુજરાત પણ લાવવામાં આવશે. જેનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે.ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આ અસ્થિ કળશને લઈ આજે બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે, આ સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના તમામ પ્રધાનો, પક્ષના આગેવાનો અસ્થિ કળશ પર પુષ્પાંજલિ કરશે અને બાદમાં આ અસ્થિ કળશને ગોલવાડ, ખાડીયા લઇ જવામાં આવશે.

અહીંથી અસ્થિ કળશ યાત્રાનો પ્રારંભ થશે. યાત્રાના અંતે વાજપેયીના અસ્થિઓનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે. શહેરીજનોને આ યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર અને સોમનાથમાં પણ અસ્થિ કળશ યાત્રા યોજાશે.