એશિયન ગેમ્સમાં જીતનાર ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત

0
5119

અમદાવાદઃ એશિયન ગેમ્સ-2018માં ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા એશિયન ગેમ્સ-2018 વિજેતા થયેલા ગુજરાતના ચાર  ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યકક્ષાના પ્રધાનો ગણપત વસાવા અને રમણ પાટકર આ રમતવીરોનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં.એશિયન ગેમ્સ 2018માં ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતનાર હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને અંકિતા રેના જેવા ચાર ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના આ તારલાઓ જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને પારંપરિક ઢબે અવકારવામાં આવ્યા છે. તેમના સ્વાગતમાં ડાંગી નૃત્ય કરવામાં આવ્યું હતું.

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગ એશિયન ગેમ્સ-2018 માટે ભારતે કુલ 571 ખેલાડીઓને મોકલ્યાં હતાં. આ ખેલાડીઓ હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મણીપુરમાંથી 276 ખેલાડીઓ સામેલ છે. જ્યારે 571માંથી ગુજરાતના માત્ર 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા હતાં. તો બિહારમાંથી માત્ર 1 એથલેટે ભાગ લીધો હતો.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડે સુરત, ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીએ સરિતા ગાયકવાડને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતા તેની સિદ્ધિઓમાં વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે, સરિતા ગાયકવાડે દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન ચીખલીની કોલેજમાં પ્રવેશ બાદ જ રમતગમત ક્ષેત્રે એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.