પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક અરુણિમા સિન્હાની આત્મકથા ગુજરાતીમાં લોન્ચ

ગાંધીનગર– વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’ નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં દુર્ઘટનામાં અરુણિમા સિન્હાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. ત્યાર બાદ કૃત્રિમ પગની મદદથી વર્ષ-૨૦૧૩માં તેમણે એવરેસ્ટ સર કર્યો હતો. એટલું જ નહીં વિશ્વના સૌથી ઉંચા શિખરો પૈકીના છ શિખરો પણ સર કરી લીધાં છે. રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે શારીરિક બળની મર્યાદા હોય છે, પરંતુ આત્મબળની કોઇ સીમા નથી. અરુણિમા સિન્હા આત્મબળનું પ્રતીક બની ગયાં છે.પદ્મશ્રી અરુણિમા સિન્હા આત્મકથાનક પુસ્તક “Born again on the Mountain’ લખ્યું છે. અંગ્રેજી ભાષામાં  લખાયેલા આ પુસ્તકનો સુધાબહેન મહેતાએ ગુજરાતી ભાાષામાં ‘વિશ્વાસનું એવરેસ્ટ’ વિષક સાથે અનુવાદ કર્યો છે. અરુણિમા સિન્હાએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, જીવનમાં પ્રત્યેકનું પોતાનું આગવું ‘એવરેસ્ટ’ હોય છે. એ ‘એવરેસ્ટ’ ને સર કરવાનો દ્રઢ નિશ્ચય જરૂરી છે. મહિલાઓને દયાની નહીં, થોડા સપોર્ટની જ જરૂર છે. પર્વતો ચઢવા હોય તો માથું નીચું રાખીને ચઢવું પડે, ઉન્નત મસ્તક હોય તો પર્વતો પર ચઢી શકાતું નથી, એમ કહીને પદ્મશ્રી અરુણિમા સિન્હાએ યુવાનોને નમ્ર થવા અનુરોધ કર્યો હતો.