ધોલેરામાં 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાને મંજૂરી મળી

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધોલેરા એસઆઈઆરમાં વિશ્વના 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઊર્જા બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલાર પાર્ક દ્વારા  આગવું પ્રદાન કરશે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

ધોલેરા એસઆઇઆર પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસીત થવાનો છે તેમાં આ સોલાર પાર્ક  પૂરક બનશે.. એસઆઇઆરના ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આકાર પામનારા આ સોલાર પાર્ક માં 25000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે .આ સોલાર પાર્કને પરિણામે 20હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે એટલું જ નહીં, ધોલેરા ઇન્ટરનેશનલ સીટી  અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની તકો પણ ઉપલબ્ધ કરાવશે.