અનિલ અંબાણીની કંપનીને નવા એરપોર્ટ માટે 648 કરોડનો ઓર્ડર મળ્યો

નવી દિલ્હી: રીલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Rઇન્ફ્રા)ને રાજકોટના હીરાસર ખાતે નવા એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) તરફથી 648 કરોડનો ઓર્ડર મળ્યો છે. નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઈવે-8B નજીક બનાવાઈ રહ્યું છે. તે રાજકોટના અત્યારના એરપોર્ટથી લગભગ 36 કિલોમીટર દૂર છે. ઓર્ડર માટે L&T, દિલીપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રોજેક્ટ્સ સહિત નવ કંપનીએ બિડ કરી હતી. જેમાં રીલાયન્સ ઇન્ફ્રા વિજેતા બની હતી.

રીલાયન્સ ઇન્ફ્રાએ જણાવ્યું હતું કે, રીલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર E&C (એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન)ને AAI તરફથી 648 કરોડના કોન્ટ્રાક્ટ માટે લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે. કોન્ટ્રાક્ટમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના હીરાસરમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનો સમાવેશ થાય છે.

રીલાયન્સ ઇન્ફ્રાએ મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) માટે સ્વતંત્ર ટેન્ડર સુપરત કર્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર EPC કોન્ટ્રાક્ટમાં રનવે, ટર્નિંગ પેડ્સ, ટેક્સી-વે, એપ્રન, પેરિમીટર અને અન્ય રોડ, ડ્રેનેજ સિસ્ટમ, ફાયર સ્ટેશન, ફાયર પિટ, કૂલિંગ પિટ, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ તેમજ એરફિલ્ડ ગ્રાઉન્ડ લાઇટિંગ સિસ્ટમને કાર્યરત કરવાનો સમાવેશ થાય છે.

રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે, એફકોન્સ અને એલ એન્ડ ટી જેવા નવ કવોલિફાયડ બિડર્સ પૈકી 92.2 ટકાનો સર્વોચ્ચ ટેક્નીકલ સ્કોર મેળવ્યો હતો. લેટર્સ ઓફ એવોર્ડ મળ્યાની તારીખથી 30 માસમાં એરપોર્ટ પૂર્ણ કરવામાં આવશે.

સૂચિત નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટને જોડતા નેશનલ હાઈવે-8બી પાસેનાં હીરાસર ખાતે અને રાજકોટના હાલના એરપોર્ટથી 36 કિમી દૂર બાંધવામાં આવી રહ્યું છે.