અમૂલને મળ્યો એફએમસીજી ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ

આણંદ-ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ., (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેને ઇન્ટરનેશનલ ઍડ્વર્ટાઇઝિંગ એસોસિએશન દ્વારા (FMCG)ની ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ મળ્યો છે.  આ એવોર્ડ ૫ાંચમાં ઇન્ટરનેશનલ ઍડ્વર્ટાઇઝિંગ એસોસિએશન દ્વારા આયોજિત સમારંભમાં ૭ ઓક્ટોબરે એનાયત થયો. માર્કેટિંગ, ઍડ્વર્ટાઇઝિંગ અને મીડિયા સેક્ટરમાં પ્રશંસનીય કામગીરી માટે આ એવોર્ડ અપાય છે.

અમૂલ ફેડરેશન ધ્વારા ૧૮ દૂધ સંઘોના ૩૬ લાખથી પણ વધુ દૂધ સભાસદો સંચાલિત ૧૮,૭૦૦થી વધુ ગામડાઓમાંથી અંદાજે રોજનું ૧૮૦ લાખ લિટર દૂધ સંપાદિત કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન દ્વારા વર્ષ 2016-17માં રૂ. ૨૭૦૪૩ કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યું હતું. પાછલા ૭ વર્ષમાં ટર્નઓવરમાં ૩.૫ ગણો વધારો અને છેલ્લાં ૭ વર્ષમાં ખેડૂતોની આવક ચારગણી કરીને ૬ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રીય ધ્યેય હાંસલ કરવામાં ઉત્તમ દેખાવ કર્યો છે. સતત દૂધ સંપાદનમાં વધારો, દૂધ અને દૂધની નવી બનાવટો નવા બજારમાં મુકવાની પહેલ અને નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં રોકાણ કરવાની નીતિને કારણે અમૂલ ફેડરેશન ૭ વર્ષથી દર વર્ષે ટર્નઓવરમાં ૧૯ % જેટલો સૂચિત સરેરાશ વૃદ્ધિદર-CAGR હાંસલ કરે છે.