બિટકોઈન હવાલા કેસમાં પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરાશેઃ જાડેજા

ગાંધીનગરઃ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર અને તેના કર્મચારીઓ દ્વારા શૈલેષ ભટ્ટ તથા તેમના ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક ર૦૦ બિટકોઇન ટ્રાન્સફર કરવા તેમજ સમાધાન કરવા વધુ રૂા.૩ર કરોડની માગણી સંદર્ભે રજૂઆત કરાતા સી.આઇ.ડી. ક્રાઇમે આ ગુનો  ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની ધરપકડ કરાશે. છેલ્લા સમાચાર મુજબ બે પોલીસ અને 3 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે 3 આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

સમગ્ર કેસમાં સંકડોવાયેલા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર પટેલ તેમજ ૯ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યાયિક તપાસ થાય અને ગુનેગારોને ઝડપી સજા મળે તે હેતુથી આ કેસની તપાસ માટે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે તેમજ સમગ્ર કેસનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષકને સોપાયું છે તેમ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

૧૧ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર પટેલ તેમજ ૯ પોલીસ કર્મચારીઓએ ત્રણ સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટ, ડ્રાઇવર મહિપાલ અને ભાગીદાર કિરીટ પાલડીયાને ગાંધીનગરના નિધી પેટ્રોલપંપથી અપહરણ કરીને દહેગામ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મ ઉપર લઇ જઇ માર મારી બળજબરી પૂર્વક ર૦૦ બિટકોઇન પોલીસ ઇન્સપેકટર પટેલે તેના વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની અરજદાર શૈલેષ ભટ્ટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ આ અંગે પોલીસ કેસ નહી કરવા અને પોલીસની કાર્યવાહીમાંથી છુટકારો મેળવવા બીજા વધુ રૂ. ૩ર કરોડની માંગણી કરતા અરજદારે પી. ઉમેશ આંગડીયા પેઢી મારફતે રૂ.૩ર કરોડનો હવાલો આપવાનું નક્કી થતા પોલીસ ઇન્સપેકટર પટેલે અરજદાર શૈલેષ ભટ્ટને મુકત કર્યો હતો.

શૈલેષ ભટ્ટ મુકત થતા હવાલાના કબુલેલા નાણાં પોલીસ ઇન્સપેકટરને આપવાનો ઇન્કાર કરતા ભવિષ્યમાં અમરેલી પોલીસ આ કિસ્સામાં હેરાન ન કરે તે માટે સમાધાનના હેતુથી અરજદાર શૈલેષ ભટ્ટે સુરતથી પોતાના મિત્ર મારફતે અમરેલી પોલીસ ઇન્સપેકટર પટેલને સમાધાન પેટે રૂ.૭૮.પ૦ લાખ આપવા માટે મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા તમામ સામે ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને સમગ્ર ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક-આર્થિક ગુના નિવારણ શાખા-સી.આઇ.ડી. ક્રાઇમ કરી રહયાં છે. આ તપાસ માટે પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની અધ્ક્ષતામાં એક સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડી.વાય.એસ.પી. સહિત પોલીસ ઇન્સપેકટરનો પણ સમાવેશ કરાયો છે. તેમજ સમગ્ર કેસનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષક દિપાંકર ત્રિવેદીને સોપવામાં આવ્યું છે.