અમદાવાદઃ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને કર્યું સંબોધન, 26 સીટો જીતવા કર્યો હુંકાર

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતમાં લોકસભા ઈલેક્શન માટે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં. તેમણે સવારે પોતાના નિવાસ સ્થાને ભાજપનો ઝંડો ફરકાવીને સ્ટીકર લગાવીને બાદમાં ભાજપના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. અમદાવાદના પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને ભાજપને જીતાડવાનો સંકલ્પ આપ્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા પર લાવવા માટેના કેટલાક મંત્ર આપ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, નેતાઓ અને કાર્યકરો તથા ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે દેશના 5 કરોડ જેટલા ભારતીય પરિવારો પોતાના ઘર પર ભાજપનો ધ્વજ લગાવશે. આ કાર્યક્રમ વિજયને સુનિશ્ચિત કરવાનો કાર્યક્રમ છે. અત્યારસુધીમાં સવારથી 92 હજાર જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવ્યો છે. અમિત શાહે કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં જણાવ્યું કે 3 માર્ચે વિજય સંકલ્પ રેલી નીકાળવામાં આવશે.

અમિત શાહે જણાવ્યું કે મેરા પરિવાર મેરા ભાજપ પરિવાર, મહાસંકલ્પ અભિયાન, કમલ જ્યોતિ અને વિજય સંકલ્પ રેલી જેવા કાર્યક્રમો થકી ભાજપના દરેક કાર્યકર્તાએ પૂરતા પરિશ્રમની સાથે, માઈક્રો પ્લાનિંગની સાથે વધવુ જોઈએ. સોશિયલી મીડિયાના માધ્યમથી સમગ્ર દેશને બતાવવાનું છે કે, આટલા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે.