AMC અને પોલિસે 2 બૂટલેગરોની બિયર બાર જેવી બિલ્ડિંગ તોડી પાડી

અમદાવાદ-પોલિસને પડકાર કરનારા બૂટલેગરો પર સખ્ત કાર્યવાહી કરવાની ડીજીપી શિવાનંદે ગઇકાલે આપેલી ચીમકીનો અમલ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધો છે. એએમસી અને પોલિસના સંયુક્ત ઉપક્રમે કુબેરનગરમાં બૂટલેટની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી હતી.

આજે સવારથી જ કોર્પોરેશનના કર્મચારીઓએ પોલીિસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી.પોલીસે અનિલ ઊર્ફ ભૂરૂયો અને સુનીતા નામના બૂટલેગરોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટનાસ્થળે 1 ડીએસપી, 2 એસપી, 200 જેટલા પોલીસકર્મી અને એસઆરપીનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન લોકોએ વિરોધ કરતા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

એએમસીએ લીધી તકેદારી
દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં કોર્પોરેશનના 100થી વધુ કર્મચારી જોડાયાં હતાં. સેક્ટર-2ના જેસીપી દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કરવામાં આવી રહેલા કાર્યવાહીના ભાગરૂપે આ બે બૂટલેગરોની કુબેરનગરમાં આવેલી બે બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજ સુધી બંને બિલ્ડિંગોને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે. આ બંને મિલકતોને તોડી પાડવા માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે નોટિસ મોકલવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને બિલ્ડિંગોનું બાંધકામ બિયર બાર હોય તેવી રીતે કરવામાં આવ્યું હતું.