મા અંબાજીના ચરણોમાં મહામૂલો હાર ભેટ ધરતો ચૈન્નઈનો પરિવાર…

અંબાજી– યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં ગઇકાલે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યુ હતુ અને વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેલી તકે સંપૂર્ણ સુવર્ણમય બને તેવી અપીલ કરી હતી. જેનાં પગલેં મંદિરને સોનાના દાનને લઇ સારો આવકાર મળી રહ્યો છે.
ગઇ કાલે જ મંદિર ટ્રસ્ટને સવા બે કિલો સોનાની જાહેરાત કરાઇ હતી જેમાં 500 ગ્રામ સોનું અપાયુ હતુ ત્યાર બાદ 2 લાખ તેમ જ 5 લાખનાં ચેક સોનાનાં દાન માટે મળ્યા હતાં. તેમાં આજે ફરી અંબાજી મંદિરને 444 ગ્રામ સોનું ટ્રસ્ટને દાનમાં મળ્યું છે.
ચેન્નઇમાં રહેતાં જૈન મનીષભાઇ ધાનસાએ પોતાના પરિવાર સાથે આજે અંબાજી મંદિરે પહોંચી મંદિરમાં માતાજીને 444 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા 13.54 લાખની કિંમતનો સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો હતો. જેમાં અસલી રૂબી ના નંગ જડવામાં આવેલાં હતા. જોકે આ દાન આપ્યાં બાદ દાતાએ મુખ્યપ્રધાને કરેલ અપીલને વધાવી હતી અને વહેલી તકે મંદિર સોનાનું બની જાય તેવી મનોકામના કરી હતી.
ચિરાગ અગ્રવાલ, અંબાજી