184 વર્ષથી અંબાજી ચાલી આવતાં લાલ ડંડાવાળા,ધજા ચડાવવાનો છે ખાસ નિયમ…

અંબાજીઃ ગુજરાત જ નહીં પણ ભારતભરનાં કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાનું સ્થાન એટલે યાત્રાધામ અંબાજી. અહીંયા લાખો પદયાત્રીઓ પ્રતિવર્ષ ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા અને ભાદરવી પૂનમના દિવસે જગતજનની માં અંબાજીના દર્શન કરવા આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

ત્યારે છેલ્લા 184 વર્ષથી અમદાવાદથી આવતો લાલ ડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલાં સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઇને માં અંબાના દ્વારે આવી પહોંચ્યો છે. આ સંઘ દ્વારા પહેલાં ખોડીયાર માતાના મંદિરે કુમકુમના થપ્પા લગાવવામાં આવે છે. અને પછી સંઘવીઓને પણ થપ્પો લગાવ્યા બાદ મંદિરમાં માતાજીના મંદિર પર ધજા ચઢાવવામાં આવે છે. આ સંઘ સૌથી જુનો અને સૌથી મોટો માનવામાં આવે છે. કહેવાય છે કે અમદાવાદ શહેરમાં પ્લેગના રોગચાળાને ડામવાં આ અંબાજી પદયાત્રાની બાધા રાખવામાં આવી હતી જે પરીપુર્ણ થતાં આ શ્રદ્ધાનાં વહેણ પદયાત્રા રૂપી આજે પણ વહી રહ્યા છે. ન વર્ષો જુની પરંપરાને આજે પણ નિભાવી સાથે અનેક બાધા રાખેલાં શ્રદ્ધાળુંઓ પણ આ સંઘમાં જોડાય છે.  સમગ્ર અંબાજી મંદિરનો ચાંચરચોક પણ એક સાથે ધજાઓ આવતાં જાજરમાન બની જાય છે.

અહેવાલ-તસવીરોઃ ચિરાગ અગ્રવાલ