અંબાજી ભાદરવી પૂનમનો મેળો સંપન્ન, પોલિસ અને STએ ધજા ચડાવી પૂર્ણાપૂતિ કરી

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. આ સાત દિવસમાં એક અંદાજ પ્રમાણે 26 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચ્યા હતા. જેમની સગવડ અને સુરક્ષા માટે વહીવટીતંત્ર ખડાપગે કાયદો અને વ્યવસ્થા જાળવવાં સજ્જ હતું. હવે મેળો શાંતિપૂર્ણ અને નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર પણ ટેક લેતું હોય છે. તેથી આજે સમગ્ર મેળો સુખદરૂપે પૂર્ણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલિસ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવાઈ હતી. જેમાં અંબાજી ખાતે મેળા દરમિયાન ફરજ બજાવી રહેલાં પોલિસ કર્મીઓના પરિવારજનો પણ આ ધજા સંઘમાં જોડાયા હતા. તો ગુજરાત રાજ્ય એસટી નિગમ પણ મેળામાં બજાવેલી પોતાની બસ સેવાને લઇ કોઇ પણ જાતનો અકસ્માત કે બસ ખોટકાવાનો કોઇ બનાવ ન બનતાં એસ.ટી તંત્રએ રાહત નો દમ લીધો હતો અને આજે એસ.ટી વિભાગ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવી મેળાનું સમાપન કર્યુ હતું.

ભાદરવી પૂનમનો મેળો આજે પરિપૂર્ણ થયો છે. ત્યારે કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરી અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી જતાં પદયાત્રીઓ માટે નિશુલ્ક સેવા કેમ્પ શરૂ કરી પદયાત્રીઓને જે સેવા પુરી પાડી હતી. તેને લઇ તમામ સેવા કેમ્પ સંચાલકોના અભિવાદન સહિત સન્માન સમારોહ યોજાયો હતો. તેને હરિભાઇ ચૌધરીએ દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. ઉપસ્થિત સેવા કેમ્પ સંચાલકોનું સન્માન કરી તેમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે નીજ મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને માતાજીની ગાદી ઉપર રક્ષાપોટલી બંધાવી હતી. ચૌધરી જણાવ્યુ હતું કે અંબાજી મેળામાં 26 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન નો લાભ લીધો છે.મેળા દરમિયાન ફરજ બજાવનાર તમામ કર્મચારીઓ તેમ જ વહીવટી તંત્રનું આ સાથે સન્માન કરવામાં આવ્યું છે.

ચિરાગ અગ્રવાલ, અંબાજી