આ ધૂણીએ દાંતાના જંગલમાં આગ લગાવી, તંત્ર બેદરકાર

અંબાજી– દાતા તાલુકાના જંગલ વિસ્તારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ઉનાળાની ભારે ગરમી અને મધ માટે મધપૂડા ઉડાડવા માટે ધૂણી કરી હતી, જેને પગલે જંગલમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે જંગલ વિસ્તારમાં અનેક ઝાડ ભસ્મીભૂત થયા હતા, પણ આગ ઓલવવા માટે કોઈ આવ્યું ન હતું.હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે દાંતા તાલુકાના કેટલાક જંગલ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠતા ગરમાવો વધ્યો હતો. દાંતા તાલુકામાં માનપુર અને કાંસા ગામના કેટલાક જંગલ વિસ્તારમાં આજે ભરબપોરના સમયે એકાએક આગ ફાટી નિકળતા ધુમાડાના ગોટે ગોટા લોકોને દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે આ આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પણ કેટલાક લોકો જંગલ વિસ્તારમાં મધ માટે મધપૂડા ઉડાડતા આ આગ ભડકી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ અંતરિયાળ વિસ્તારના માર્ગ સુધી જોવા મળી હતી.જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે આ અગાઉ પણ આ વિસ્તારમાં આગ લાગતા એક માદા રીંછ આદમખોર બન્યું હતું અને માનવ જાતને હાની પહોચાડી હતી, ત્યારે આજે ફરી આ આગની ઘટના જોતાં જંગલખાતાના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન અપાયું ન હતું.