દેશવ્યાપી હડતાળને ગુજરાતના ડૉક્ટર્સનું સમર્થનઃ ઇમરજન્સી સેવાઓ ચાલુ

0
1472

અમદાવાદ-  પશ્વિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યાં છે. આજે દેશભરના ડોક્ટરો હડતાળમાં જોડાયાં છે. ત્યારે ગુજરાતમાં પણ પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાળમાં જોડાયા છે. જેને લઇને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું જણાવી પાછાં મોકલી દેવાયાં હતાં. દરેક દર્દીઓને પાછા જવું પડી રહ્યું છે. બીજી તરફ જૂની વીએસ હોસ્પિટલમાં તમામ ઓપીડી સેવાઓ ચાલુ છે.

સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવતા સવારના 7 વાગ્યાના દર્દીઓ લાઇનમાં ઉભા રહેતા વારો નહીં આવતા રોષ ભભૂક્યો છે. ઇમરજન્સી વિભાગ ચાલુ રાખવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના 1650 ડોક્ટરો જોડાયા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કલકત્તામાં તબીબ પર થયેલા હુમલા સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો. રાજકોટ સિવિલમાં ઓપીડી ચાલુ હતી પરંતુ થોડીવારમાં ડોક્ટરોએ આવીને જ બંધ કરાવી ગયા હતા. વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દર્દીઓને સારવાર મળી નથી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવા ધ્રુવીએ જણાવ્‍યું હતું કે રેસિડેન્‍ટ્‍સની હડતાળને પગલે ઇમરજન્સી અને ઓપીડીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ ગઇ છે. મેડિકલ ઓફિસર અને ટ્યુટર્સની મદદથી તમામ ઓપીડીમાં કોઇને તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા ગોઠવાઇ છે. ઇમરજન્‍સીમાં પણ કોઇ મુશ્‍કેલી આવે તેમ નથી.

જામનગર જી.જી. હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશને 17 જૂને પ્રતિક હડતાળનું એલાન કર્યું છે. જેમાં તમામ જુનિયર ડોક્ટરો સેવાથી અલિપ્ત રહ્યા છે. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જે ઇમરજન્સીમાં ફરજ બજાવનાર તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી છે. શહેરની તમામ હોસ્પિટલો અને ડોક્ટરોએ આ હડતાલમાં જોડાવાનો કોલ આપ્યો છે.

જૂનાગઢમાં પણ ખાનગી તબીબો 24 કલાકની હડતાળ પર ઉતર્યા છે. જૂનાગઢ સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન. એમ. લાખાણી અને સેક્રેટરી સંજયભાઇ જાવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પણ અંદાજે 250થી વધુ ખાનગી તબીબો જડબેસલાક હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના કારણે અંદાજીત 10,000થી વધુ દર્દીઓને સારવારથી વંચિત રહેવું પડશે અથવા સારવાર માટે રઝળવું પડશે, દોડધામ કરવી પડશે.