રાજ્યની તમામ બેન્કો તેમને આપશે વિના વ્યાજે ધીરાણ

ગાંધીનગર- વિના વ્યાજે લોન લેવાની વાત જો સામાન્ય લેતીદેતીમાં કોઇ કહે તો? પરંતુ જગતનો તાત કહેવાતો ખેડૂત આ લાભ મેળવી શકશે. સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર તરફથી સૂચિત કરવામાં આવ્યું છે કે રાજ્યની તમામ બેન્કો દ્વારા ખેડૂતોને વિના વ્યાજે પાક ધીરાણ આપવામાં આવશે. ખેડૂતોને સમયસર પાક ધીરાણ વિના વ્યાજે મળી રહે તે માટે તમામ બેન્કો દ્વારા પાક ધીરાણ અપાશે તેમ જણાવાયું છે.ખેડૂતોને વિના વ્યાજે પાક ધીરાણ મળવામાં વિલંબ ન થાય તે માટે 17 એપ્રિલે જરુરી ઠરાવો કરીને તેની જાણ તમામ સહકારી બેન્કો, નેશનલાઇઝ્ડ બેન્કો, રીજિઓનલ રુરલ બેન્કો તથા ખાનગી બેન્કોને કરી દેવાઇ છે.

નાબાર્ડની ક્રેડિટ પોલીસી મુજબ રાજ્યની તમામ બેન્કો દ્વારા ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધીરાણ આપવામાં આવે છે. જો ખેડૂત સમયસર પાક ધીરાણ પરત ભરપાઇ કરે તો તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા ૩ ટકા તથા રાજ્ય સરકાર દ્વારા ૪ ટકા વ્યાજ સહાય ચૂકવાય છે. આ રીતે ખેડૂતોને વિના વ્યાજે પાક ધીરાણ મળે છે.