અલંગ શિપ યાર્ડનાં વિકાસ માટે રૂ.215 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ: મનસુખ માંડવિયા

અમદાવાદ: કેન્દ્ર સરકારે રાજ્યમાં ભાવનગર ખાતે અલંગ શિપ રિસાયકલ યાર્ડના વિકાસ માટે 215 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડ્વીયા દ્વારા અલંગ શિપ યાર્ડના વિકાસ માટે 215 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ફંડ ફળવવાને કારણે અલંગ વિશ્વના મોટા શિપ બ્રેકીંગ તરીકે નામના મેળવશે.વર્ષોથી જમા થયેલ ફેસર ફંડ ફાળવવામાં આવતું ન હતું. આ ફંડ હવે કેન્દ્ર સરકારે ફાળવ્યું છે. આ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે.

જેમાં દ્વારકા ખાતે 43 મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે 30મીટર ઊંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે 40 મીટર ઊંચાઈની દીવાંદાડીનો સમાવેશ થાય છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહીં આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઈ શકે તે હેતુથી આ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસાવવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરેલ છે.આ ઉપરાંત પરપ્રાંતીયો ઉપર થઈ રહેલા હુમલાઓ મુદ્દે મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ગુજરાતે જોડવાનું કામ કર્યું છે. મોદી જોડવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતના મુદ્દે કોઈ રાજનીતિ ના કરે. ગુજરાત તમામને સ્વીકારે છે,  તમામને જોડે છે.

10 હજાર જેટલા પરપ્રાંતીય લોકો માટે મકાન, અને માળખાગત સુવિધા કરવામાં આવશે, જેમાં સેફટીના સાધનો મૂકવામાં આવશે. યાર્ડને કમ્પાઉન્ડ વોલથી કવર કરવામાં આવશે. માણાવદર ભાવનગર ખાતે સેન્ટ્રલ મેરિટાઇમ યુનિવર્સિટીની શરુંઆત થાય છે. જેમાં 750 કરોડના ખર્ચે જાપાને સહાય આપી છે.  રો-રો ફેરીને લઇને કહ્યુ કે, આ સર્વિસ ચોમાસાના કારણે બંધ હતી, પરંતું હવે રોપકેશ વાહન આવી ગયું છે. જેમાં 65 ટ્રક આવી જાય તેવી કેપેસિટી છે.

અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને વિશ્વ કક્ષાનું ઈકો ફ્રેન્ડલી શિપ રીસાયકલ યાર્ડ બને તથા વિશ્વની તમામ પ્રકારની શીપનું રીસાયકલીંગ થાય તે માટે સુવિધાઓ વિક્સાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નેવીના શીપનું પણ અલગ ખાતે રિસાઈક્લીંગ થાય તે મુજબની સુવિધાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને ફાળવામાં આવેલ ફેરસ ભંડોળના ઉપયોગથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડ એસોસિએશન દ્વારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનાં વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેમાં અલંગ યાર્ડમાં કાર્યરત પ્લોટ ધારક/કંપનીને ISO સર્ટીફીકેશન મેળવવામાં સહાય, પ્લોટ ધારકો/કંપનીને પ્લોટમાં પાકુ ફ્લોરીંગ બનાવવા સહાય, સમગ્ર અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં અગ્નિશામક પાણી લાઈન, યાર્ડમાં LPG/CNGની પાઈપલાઈન, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડને બાઉન્ડ્રી વોલ તથા સર્વિસ રોડ, સમગ્ર શીપ-બ્રેકીંગ યાર્ડમાં ગટર લાઈન તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નાઈટ વિઝન સાથેના ડીજીટલ સિક્યોરીટી કેમેરા, અકસ્માતે મૃત્યુ પામતા કામદારને રૂ.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત અકસ્માતે કાયમી અપંગતા પામતા મજૂરોને રૂ.2.50 લાખ સુધીની સહાય, લેબર હાઉસીંગ કોલોની, મજૂરો માટે યુનિવર્સલ આઈડેન્ટિટી કાર્ડ સાથે સલામતી વ્યવસ્થા, અલંગ પર ઐતિહાસિક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, મજૂર તાલીમના મોડ્યુલનું આધુનિકરણ, મજૂરો માટે કામદાર હોસ્પિટલનાં નિર્માણમાં સહાય વગેરે કાર્યો આ ફેરેસ ભંડોળમાંથી હાથ ધરવા ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.