મુંદ્રામાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યું, પાયલોટ અને 10 પશુઓના મોત

મુંદ્રા– કચ્છના મુંદ્રાના બેરોજા ગામની ટેકરીઓમાં આજે મંગળવારે સવારે એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે, જેને કારણે સમગ્ર આજુબાજુના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લેન તૂટી પડતાં પાયલોટ એર કોમોડોર સંજય ચૌહાણનું મોત થયું છે, અને પ્લેન તૂટી પડતા 10 પશુઓના મોત થયા છે.

આજે સવારે પ્લેન તૂટી પડ્યા પછી સમગ્ર વિસ્તારને કોર્ટન કરી લેવામાં આવ્યો હતો. મુંદ્રાથી પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તૂટી પડેલ વિમાન ઈન્ડિયન એરફોર્સનું જગુઆર પ્લેન હતું. આ વિમાને નિયમિત રીતે તાલીમના ભાગરૂપે સવારે જામનગર એરફોર્સના બેઝથી ઉડાન ભરી હતી. આ વિમાન તૂટી પડ્યાના સમાચાર આવતાં એરફોર્સના અધિકરીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

અકસ્માતના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ કરાયા છે. અને ઘટના સ્થળેથી બ્લેકબોક્ષ મળી આવ્યું છે. પ્લેન ક્રેશ થયુ તેના બે કિલોમીટર વિસ્તાર સુધી પ્લેનનો કાટમાળ વિખેરાયેલો હતો, જેથી આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશ થયું ત્યારે એવા સમાચાર આવ્યા હતા કે પાયલોટ પેરાશુટથી સલામત રીતે બહાર નીકળી ગયા અને બચી ગયા છે. પણ સમાચાર મળી રહ્યા છે કે આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું છે.