ઓઢવમાં ઈન્દિરા આવાસના બે બ્લોક તૂટી પડવાની ઘટના, હવે કરાશે આ કાર્યવાહી

અમદાવાદ- શહેરના ઓઢવ વિસ્તારમાં રવિવારની રાત્રે બે રહેણાંક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો છે. ફાયર ચીફના જણાવ્યા પ્રમાણે હાલમાં ફાયરના 100થી વધારે કર્મચારીઓ કાટમાળ હટાવવાની કાર્યવાહીમાં જોડાયેલા છે.

રવિવારે સાંજે ઓઢવમાં ગુરુદ્વારા પાસેના ઇન્દિરા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધડાકાભેર તૂટી પડ્યા હતા. ફ્લેટ તૂટી પડ્યા ત્યારે તેમાં બે પરિવાર હાજર હતા. એક દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને બ્લોકને ખાલી કરાવ્યા હતા. જોકે, વરસાદ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે પરિવાર ફરીથી અહીં રહેવા આવી ગયા હતા.હાલ પણ બિલ્ડિંગનો કાટમાળ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. બિલ્ડિંગ અંદર હવે કોઈ દબાયા હોવાની શક્યતા નહીવત્ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બપોર સુધીમાં કાટમાળ હટાવવાની કાર્યવાહી પૂરી થવાની શક્યતા છે.કલેકટર ડો.વિક્રાંત પાંડેએ એન.ડી આર.એફ.ની. ટીમને ખાસ ગાંધીનગરથી બચાવ અને રાહત કાર્ય માટે બોલાવી
બચાવ અને રાહત કાર્ય માટે તાત્કાલિક વ્યવસ્થા કરી છે.  સીએમ રુપાણી દ્વારા ઘટનામાં દટાયેલા લોકો ને કાટમાળ ખસેડી ત્વરાએ બહાર કાઢવા અમદાવાદ કલેક્ટરને ગાંધીનગર થી એન.ડી.આર એફ ની બચાવ ટીમ તાત્કાલિક બોલાવી સ્થળ પર મદદ માટે પહોંચાડવા આદેશો આપ્યાં હતાં. આ ઘટના બાદ જાગેલા કોર્પોરેશન નિર્ણય લીધો છે કે આ પ્રકારના 68 બ્લોકની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને અન્ય બ્લોકનો સ્ટ્રકચરલ એન્જીનિયરનો રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. તપાસમાં રહેવાલાયક બ્લોક નહીં લાગે તો તેવા બ્લોકને ખાલી કરાવાશે. બ્લોક ખાલી કરતાં પહેલાં કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરશે. કોર્પોરેશનના રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ