અમદાવાદના દરિયાપુરમાં 15 દેશી બોંબ મળ્યાં

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજીબાજુ દીવાળીની ખરીદી માટે ભીડનો માહોલ છે ત્યારે  અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી 15 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ વ્યાપી ગયો હતો.. દરિયાપુર તંબુ પોલીસ ચોકીની પાછળ કચરાપેટી પાસે વહેલી સવારે એક મહિલા સફાઈ કામદાર કામ કરી રહી હતી તે દરમિયાન તેને આ બોંબ મળી આવ્યાં હતાં મહિલા કામદારે પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં જઈ તપાસ કરી હતી અને 15 જેટલા દેશી બનાવટના બોંબ જપ્ત કર્યા હતાં. સમગ્ર મામલાની જાણ થતા બોંબ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા તમાકુના ડબ્બામાં વિસ્ફોટક, ખીલીઓ તેમ જ કાચના ટુકડા ભરીને ટાઈટ બંધ કરી દીધા હતાં તો આ સાથે જ ડબ્બાની ઉપરની બાજુએ દીવેટ પણ લગાવવામાં આવી હતી. બોંબ સ્ક્વોડ દ્વારા દેશી બોંબની ચકાસણી કર્યા બાદ તેને એફએસએલ ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

તમાકુના ડબ્બાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા બોંબમાં મળી આવેલી ચીજ વસ્તુઓ વિસ્ફોટક છે કે અન્ય કોઈ ચીજ વસ્તુ છે તે મામલે એફએસએલ અને બોંબ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે તો પોલિસની પ્રાથમિક તપાસમાં ભાંગફોડીયાં તત્વોનું બોંબ વિસ્ફોટ કરવાનું આયોજન હોય તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને આ દિશામાં તપાસ તેજ કરી છે.