અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી ટ્રાફિક ડ્રાઈવ

અમદાવાદઃ શહેરમાં આજે પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સારંગપુરથી રખીયાલ સુધી આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે. પોલીસે આ ડ્રાઈવમાં 11 કિલોમીટરના વિસ્તારને આવરી લીધો છે. પોલીસ દ્વારા કડકપણે કરવામાં આવેલી આ ટ્રાફિક ડ્રાઈવ ઈતિહાસની સૌથી મોટી ટ્રાફિક ડ્રાઈવ છે.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ થાય તેવા તમામ દબાણો અને ખોટી રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને દૂર કરવામાં આવ્યા છે. તો આ સાથે જ ટ્રાફિક ડ્રાઈવ વખતે ઘર્ષણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મેગા ટ્રાફિક ડ્રાઈવમાં ત્રણ ડીસીપી, છ એસીપી, 10 પીઆઈ અને 200 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટની AMC અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે આકરી ઝાટકણી કાઢ્યા બાદ બંને તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર પણ ટ્રાફિકના પ્રશ્ને આકરા પાણીએ છે. અંતે હરકતમાં આવેલી પોલીસ અને AMC છેલ્લા ઘણા દિવસથી વિવિધ રીતે ટ્રાફિક નિયમન પર કામ કરી રહી છે. હજુ બે દિવસ પહેલા જ શહેરના મોડેલ રોડ સમી લો-ગાર્ડન ખાઉગલી હટાવી, સનસ્ટેપ ક્લબ અને રાજપથ કલ્બ સામે ટ્રાફિકની નોટિસ અને સીલ ઇશ્યુ થયા છે. ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારમાં મેગા ટ્રાફિક ક્લિંનીંગ અભિયાનમાં ક્રેન, લાઉડસ્પીકર્સ, વીડિયોગ્રાફિર્સ તેમજ એન્ટી ઇન્ક્રોચ્મેન્ટ ટીમ સાથે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહ્યું છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)