અમદાવાદઃ સ્વચ્છતા ઝૂંબેશ, તંત્રમાં તાલમેલનો અભાવ

અમદાવાદ-કોઇપણ ગામ કે શહેરમાં પ્રવેશતાની સાથે જ આડેધડ કચરાના ઢગલા, ખુલ્લી ગટરો અને ગંદકીમાં ફરતાં રખડતાં ઢોર પરથી કેટલો-કેવો વિકાસ થયો છે એ તારણ નીકળી જાય. સ્વચ્છતા ઝૂંબેશને અનુલક્ષીને દરેક શહેરને ગંદકી મુક્ત કરવા ઘેર ઘેર થી કચરો ઉઘરાવવા શેરી, મહોલ્લા સોસાયટીઓમાં માણસો વાહનો મોકલી કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરાવાય છે.

બીજી તરફ શહેરના માર્ગો ને સ્વચ્છ રાખવા માટી સાફ કરતાં મશીન, ટ્રેક્ટર, મોટા કન્ટેનર નો ઉપયાેગ કરાય છે, સાથે દરેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં માણસો સફાઇ કરે છે. તાજેતરમાં અમદાવાદ જેવા શહેરમાં દરેક વિસ્તારમાં જાહેર માર્ગ પરના ચાર રસ્તા અને અમુક ચોક્કસ જગ્યાએ સૂકા ભીના કચરાના એકદમ નવી પ્લાસ્ટિકની કચરા પેટીઓ મુકવામાં આવી છે. જેમાં આવતા જતા માણસો પોતાનો કચરો રોડ પર ના ફેંકતા કચરા પેટીમાં નાંખે. પરંતુ કેટલાક વિસ્તારમાં આ નવી નક્કોર કચરા પેટીમાં રાહદારીઓના કચરાની સાથે એ વિસ્તારમાં કામ કરતાં સફાઇ કર્મચારીઓ પોતાની સરળતા માટે કચરો ઠાલવી જાય છે. આ કર્મચારીઓએ માર્ગ સફાઇ બાદ પોતે એકઠો કરેલો કચરો ટ્રેકટર કે મોટા કન્ટેનરમાં ઠાલવવાનો હોય છે. માર્ગો પર સફાઇ કરતાં બીટ કામદારો, અધિકારીઓ અને નાની કચરા પેટીઓ માંથી કચરો લઇ જતા કોન્ટ્રાકટરના તાલમેલના અભાવે સફાઇ ઝૂંબેશમાં ગંદકી પ્રવેશી ગઇ છે.

કોન્ટ્રાક્ટ પર કામ કરતી કચરો ઉઠાવતી એક ગાડીના ચાલકના કહેવા મુજબ અસંખ્ય વાર અધિકારીઓને ફરિયાદ છતાં માર્ગો પરનો કચરો કન્ટેનરની જગ્યાએ નાની કચરા પેટીમાં ઠલવાય છે જે સમસ્યાઓ સર્જે છે.

તસવીર અને અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ