બેરિકેડ હોવા થતાં થોભી જતાં વાહનચાલકોને કોણ સમજાવશે?

અમદાવાદ– મેગાસિટી અમદાવાદ શહેરમાં વધતા વાહન વ્યવહારને ધ્યાન પર રાખી તમામ વિસ્તારોના માર્ગોને મોટા કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સાથે  હાઇવેને જોડતાં તેમ જ શહેરની મધ્યમાંથી પસાર થતા માર્ગોને નવા રુપરંગ પણ આપવામાં આવ્યાં છે. વધુ ટ્રાફિક ધરાવતા તમામ વિસ્તારોમાં ઓવર બ્રિજ અને અંડરપાસ આપી સુવિધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ  ટ્રાફિકની સામાન્ય સમજણના અભાવે અકસ્માતની વણઝાર સર્જાતી હોય છે.રીલીફરોડ, આશ્રમ રોડ, સી.જી. રોડ  પછી  હવે સૌથી વધારે વ્યસ્ત અને તમામ ક્ષેત્રોમાં વિકસતો એસ.જી.હાઇવે હાલ ચર્ચાનું કેન્દ્ર બનતો જાય છે. સરખેજ-ગાંધીનગર તરફ જતાં આ માર્ગના કારણે પૂરપાટ જતી ગાડીઓ જોવા મળે છે. કેટલીક વાર થ્રિલિંગ માટે સ્પીડની મજા લેતાં વાહનો પણ જોવા મળે છે.અને સૌથી મોટો શટલીયા રીક્ષા-ગાડીઓનો ત્રાસ તો ખરો જ…આ શટલીયા અને ગમે ત્યાં સાઇડ બતાવ્યા વગર વળી જતાં, ઉભા રહી જતાં વાહનોના કારણે આ એસ.જી. હાઇવે પર અકસ્માતોની વણઝાર સર્જાય છે. એકસાથે ઘણાં બધા વાહનો એકસાથે અથડાયાં હોય એવા અનેક બનાવો નોંધાયા છે. 

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વળાંકમાં અકસ્માતના થાય એ માટે બેરીકેડ મૂક્યાં છે. ઓવર બ્રિજ પર શટલીયા તેમ જ પેસેન્જર વાહનો ઉભા રાખવાની મનાઇ હોવા છતાં રીક્ષા ચાલકો સ્પીડથી આવતાં વાહનો વચ્ચે પેસેન્જર માટે અચાનક જ થોભી જાય છે. ((અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)