અમદાવાદઃ કેરળના આપદગ્રસ્તો માટે જનતા દ્વારા રાહત ફંડ

અમદાવાદઃ દુનિયામાં કોઇપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આફત વેળાએ ગુજરાત સહાય માટે સદાય અગ્રસર રહ્યું છે. આ વખતે દક્ષિણ ભારતના કેરળમાં વરસાદના પાણીએ માનવ જીવનને અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું છે. ત્યારે સમગ્ર દુનિયા આ રાજ્યની પડખે ઉભી છે. આધુનિક યુગમાં ટિવટર-ફેસબુક-વ્હોટ્સઅપના માધ્યમથી લોકોની પરેશાની સારી રીતે સમજી શકાય છે. કેરળને પણ તંત્ર અને સામાન્ય નાગરીકો દ્વારા સારી સહાય મળવાની શરુઆત થઇ ગઇ છે.

અમદાવાદ શહેરમાં જુદા જુદા સંગઠનો કેરળ માટે રાહત સામગ્રી એકઠી કરી રહ્યા છે. પ્રસ્તુત તસવીરો શહેરના પંચવટી વિસ્તારની છે જ્યાં એસ.યુ.સી.આઇના કાર્યકર્તાઓએ લોકો પાસેથી ફાળો અને સામગ્રી એકઠી કરી હતી. s.u.c.i.ના ભાવિક રાજા-જયેશ પટેલની ટીમે જ્યારે રાહત સામગ્રી માટે માર્ગો પર લોકોને મળ્યા ત્યારે સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેરળમાં આવેલા ભયાનક પુરે ત્યાં ભારે વિનાશ વેર્યો છે. લોકો અત્યારે ત્યાં બેઘર બની ગયા છે. મોટી માત્રામાં જમીનોનું અને રસ્તાઓનું ધોવાણ થયું છે, મકાનો તુટી ગયા છે અને કેરળના લોકો ખૂબ જ વિકટ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે. તો આ સીવાય કેટલીક તો એવી જગ્યાઓ છે કે જ્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે ત્યાં સુધી બચાવદળના કર્મચારીઓ પહોંચી પણ શક્યા નથી.