અમદાવાદ રેલવે સ્ટેશનમાં સફાઈ માટે મિકેનાઇઝ્ડ નવી વ્યવસ્થા શરૂ કરાઈ

અમદાવાદ– અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન હવેથી આગવી સાફસફાઈનો ચમકારો જોવા મળી શકે છે. કારણકે શનિવારથી નવી મિકેનાઇઝ્ડ સફાઈ સેવાનો શરૂ કરવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ કુમાર તથા સ્ટેશન ડાયરેક્ટર આર.સી. મીનાની હાજરીમાં સ્ટેશનના વરિષ્ઠ રેલવે કર્મચારી રામમૂર્તિ જયરામ યાદવે આ સેવાની શરુઆત કરાવી હતી.

આ પ્રસંગે ડિવિઝનલ રેલ મેનેજર દિનેશ કુમારે જાણકારી આપી હતી કે જૂનો કોન્ટ્રાક્ટ પૂરો થતા આજથી આ નવી વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ વ્યવસ્થા પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 9 સુધી, બંને ફૂટઓવરબ્રિજ, કાલુપુરની તરફ સરક્યૂલેટિંગ એરિયા તથા વેઇટિંગ રૂમની સાફ-સફાઈ વ્યવસ્થા કરાશે. મેસર્સ ડાયનેમિક એન્ટરપ્રાઇઝેસ રતલામ દ્વારા શરૂ કરાયેલી આ સુવિધામાં 32 મશીનોથી 166 સફાઈ સ્ટાફ દ્વારા 24 કલાક સાફસફાઈ વ્યવસ્થાને વધુ સારી બનાવવામાં આવશે.

સફાઈ વ્યવસ્થાનું રેટિંગ જાણવા તથા ફિડબેક માટે પ્રવાસી ફિડબેક મશીનો લગાવવામાં આવ્યાં છે. આ સાથે જ સીસીટીવીના માધ્યમથી પણ સફાઈ વ્યવસ્થા પર સતત મોનીટરિંગ કરવામાં આવશે. આ દરમિયાન સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર મધુકર રોત, સિનિયર ડિવિઝન ઇન્વાયરમેંટલ અને હેલ્થ મેનેજર સુરેન્દ્ર સિન્હા તથા સિનિયર રેલવે કર્મી, સુપરવાઇઝર પણ હાજર રહ્યાં હતાં