અમદાવાદઃ દૂધની ડેરીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

અમદાવાદ: મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ફલાઈંગ સ્કવોડ દ્વારા આજે સવારથી શહેરની વિભિન્ન ડેરીમાં દરોડા પાડીને દૂધના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી હેઠળ કુલ ૧૫થી વધુ સ્થળો પરથી દૂધના નમૂના લઈને તેને નવરંગપુરા ખાતેની મ્યુનિસિપલ લેબમાં ચકાસણી માટે મોકલી અપાયા હતા. જેમાં અમરાઈવાડી સ્થિત ઉત્તમ ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂનાનો પણ સમાવેશ થાય છે.

રાજ્યના અમુક જિલ્લામાં ભેળસેળખોર વેપારીઓ દ્વારા યુરિયા વગેરે કેમિકલથી નકલી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના અહેવાલ તાજેતરમાં વહેતા થયા હતા. અમદાવાદમાં હજુ સુધી બનાવટી દૂધનો કોઈ કિસ્સો નોંધાયો નહતો. શહેરમાં વેચાતા દૂધના ફેટનું પ્રમાણ ઓછું હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળે છે. નફાખોરો હંમેશા દૂધમાં પાણી રેડીને દૂધની ગુણવત્તા સાથે ચેડા કરે છે.

આજે સવારથી જ હેલ્થ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના નારણપુરા, સ્ટેડિયમ, ઓઢવ સહિત શહેરભરમાં આવેલી વિભિન્ન દૂધની ડેરીઓમાં દરોડા પાડીને દૂધના નમૂના લીધા હતા. અલગ અલગ જગ્યાએથી નમૂના લઈને તેને નવરંગપુરામાં આવેલી મ્યુનિસપિલ લેબમાં તપાસ અર્થે મોકલાયા છે. તમામ દૂધના નમૂનાનો રિપોર્ટ લેબમાંથી દસ દિવસમાં આવી જશે અને ત્યારબાદ જે સેમ્પલમાંથી ખામી બહાર આવશે તે ડેરીના દૂધ માલીકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.