આગવી ઢબે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવ્યું પોલિસ તંત્ર

અમદાવાદઃ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં દર્દીને ખૂબ જ વિપુલ માત્રામાં લોહીની જરૂર પડે છે. આ બીમારી જે વ્યક્તિને થાય તેનું જીવવું લગભગ દોજખ બની જતું હોય છે. વારંવાર લોહીની જરૂર પડે ત્યારે લોહી ક્યાંથી લાવવું તે પ્રશ્ન સતત દર્દીના પરિજનોને સતાવતો હોય છે. ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે હવે પોલીસ તંત્ર પણ આવ્યું છે. અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશન દ્વારા 100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર પોલિસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. અમદાવાદ શહેરના ૫૦ પોલિસ સ્ટેશન દ્વારા ૧૦૦ જેટલા થેલેસેમિયા પિડિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલિસ કમિશનર એ.કે.સિંગ અને ઉચ્ચ પોલિસ અધિકારીઓ અને પોલિસ જવાનો દ્વારા થેલેસેમિયાપીડિત બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલિસ કમિશનર એ.કે.સિંગ સહિત પોલિસ અધિકારી અને જવાનોએ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કર્યું હતું.

4-6-2018થી 11-6-2018 સુધીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના પોલિસ સ્ટેશન ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયાપીડિત બાળકો જીવનમાં આનંદ લાવવા અને બાળકો પ્રત્યેની લાગણીને અભિવ્યક્ત કરવાનો ખૂબ જ સરાહનીય પ્રયાસ કરાયો હતો. થેલેસેમિયાપીડિત બાળકોને એક વર્ષ સુધી બ્લડ પોલિસ દ્વારા આપવામાં આવશે. થેલેસેમિયાપીડિત બાળકોનું સન્માન કરાયું ત્યારે બાળકોના માસૂમ ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. નાગરિકો દ્વારા પણ પોલીસના સરાહનીય પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી. પોલિસ ઉપરાંત નાગરિકોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું.