અમદાવાદ- ઘરનું ઘર મેળવવા બેંકો બહાર લાંબી કતારો…..

અમદાવાદ-શહેરમાં લોકોને ઘરનું ઘર થાય એ માટે  મહાનગર પાલિકા, ઔડા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ  જુદી જુદી સ્કીમ દ્વારા પ્રયત્નો હાથ ધર્યા છે. છેલ્લા કેટલાય સમય થી ગુજરાતના નાના મોટા શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હજારો લોકો લાભાન્વિત થયા છે.
સરકારના પ્રયત્નો થી અનેક લોકો સસ્તા દરે ઘર મેળવી શક્યા છે. પરંતુ હજુય અસંખ્ય લોકો માથે પોતાની છત થાય એ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ડ્રો સિસ્ટમના કારણે ઘર મેળવવા નંબર ના લાગ્યો હોય તો બીજા પ્રયત્નો કરે છે.
આ ડ્રો સિસ્ટમમાં કેટલીક વાર એકજ પરિવારના લોકોને મકાનો ફળવાઇ જાય છે. સૌને ઘર મળે એ હેતુ થી ઉભી કરવામાં આવેલી યોજનાઓમાં કેટલીક વાર રોકાણકારો પણ લાભ લઇ જાય છે, અને  મકાનો ભાડે આપી રોકડી કરવાના દાખલા જોવા મળે છે. સસ્તા, મજબુત મકાનોમાં ભાડે આપવાના તેમજ અન્ય દુષણો પ્રવેશવાના કારણે જેને ખરેખર ઘરની જરુર છે એ લોકો વંચિત રહી જાય છે. કારણ, અસંખ્ય ગામડાંઓ તુટી રહ્યા છે.
બેરોજગારો ગામડાં છોડી શહેરમાં પેટિયું રળવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આવા સમયે જ્યારે પણ પ્રધાન મંત્રી આવાસ યોજનાની જાહેરાત પડે છે, ત્યારે બેંકો ની બહાર માહિતી પુસ્તિકા તેમજ ફોર્મ મેળવવા લાંબી કતારો જોવા મળે છે.
ફોર્મ મેળવવા કલાકો સુધી કતારોમાં ઉભા રહેતા અને  ખરેખર જેને માથે છત નથી એ લોકોને સરકારની યોજનાનો લાભ મળે તો જ ( ઇ.ડબલ્યુ.એસ) આર્થિક રીતે નબળા વર્ગની સ્કીમ સાર્થક થઇ કહેવાય…

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ