પૂરઝડપે વળાંક લેતી સ્કૂલવાનમાંથી ફંગોળાયાં 3 બાળકો, અને…

અમદાવાદ– પોતાનાં બાળકોને શાળાએ મોકલવા માટે વાનમાં મોકલતાં માતાપિતાના શ્વાસ અદ્ધર કરી દે એવી ઘટના અમદાવાદના નિકોલમાં સામે આવી છે. બેફામપણે વાન ચલાવતાં વાનચાલકની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પંચામૃત સ્કૂલના બાળકો હતાં. વાનચાલકે એકદમ બેદરકારી ભર્યો પૂરઝડપે વળાંક લેતાં વાનનો દરવાજો ખુલી ગયો હતો અને તેમાંથી 3 વિદ્યાર્થીઓ બહાર ફંગોળાઈ ગયાં હતાં. ઇજાગ્રસ્ત બાળકોમાંથી એ વિદ્યાર્થિનીની હાલત ગંભીર બની છે. આ વાનમાં  22 બાળકો ભરેલાં હતાં.અમદાવાદમાં સ્કૂલ વાનચાલકોને કાયદાનો જરા પણ ડર નથી તે વાત ફરી આ ઘટનામાં સાબિત થઇ રહી છે., આરટીઓ દ્વારા સ્કૂન વાનચાલકો માટે કડક નિયમ અને ગાઈડલાઈન્સ બનાવ્યા હોવા છતાં જાણ કાયદાનો કોઇ ભય ન હોય તેવું વર્તન વાનચાલકોનું જોવા મળે છે. આરટીઓ અધિકારીઓના આંખ આડા કાન કરવાની બેદરકારીથી વાન ચાલકો બેરોકટોક નિયમોને ભંગ કરી ખુલ્લેઆમ ઘેટાંબકરાંની જેમ વાનમાં બાળકોને ભરે છે. આ વાનમાં પણ નિયમસરના 12-14 બાળકોની જગ્યાએ 22 બાળકો ખીચોખીચ ભરેલાં હતાં.નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતાં એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતાં બીજી વાનમાં ઘેટાબકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતાં ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતાં. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પ્રતીકાત્મક ફોટો

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને ત્યારે નિયમોના પાલન કરાવવાનો દેખાડો કરવામાં આવે છે, ત્યારબાદ જેમનું તેમ ચાલવા લાગે છે.  આ રીતે નિયમોનો ભંગ કરવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, અને બાળકોનો જીવ જોખમમાં મૂકાય છે.