અમદાવાદઃ લૉ ગાર્ડન નાઈટ ખાણીપીણી બજાર હવે બંધ, રોડ ખુલ્લો કરવા દબાણ હટાવાયાં

અમદાવાદ-શહેરમાં દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લાં કરવાની કામગીરીમાં આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પોશ વિસ્તારમાં વર્ષોથી જામેલી ખાઉગલીની નામના ધરાવતી લૉ ગાર્ડન વિસ્તારની ખાણીપીણીની ગલીમાં રસ્તાઓ પર દબાણ કરનાર સ્ટોલ્સને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં વર્ષોથી ફાસ્ટફૂડ રસીયાઓ માટે લૉ ગાર્ડન વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલ ખાણીપીણી બજાર પર અમદાવાદ કોર્પોરેશનના બૂલડોઝર ફરી વળ્યાં હતાં. આજે સવારથી શરુ કરાયેલી લારીગલ્લાના દબાણો ખસેડવાની કાર્યવાહીને લઇને વિસ્તારમાં સોપો પડી ગયો હતો. આખી ગલીમાં આવેલાં લગભગ ચાલીસેક સ્ટોલ્સને હટાવવાની કામગીરી દરમિયાન કોઇ ઘર્ષણની સ્થિતિ ન સર્જાય તે માટે બંદોબસ્ત અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.ખાણીપીણીના આ સ્ટોલ્સ હટાવવાની કાર્યવાહી સમયે સ્ટોલધારકો તરફથી રોષભેર રજૂઆત કરવામાં આવી હતી કે અમારી રોજીરોટી છીનવાઇ રહી છે. એક મહિલા બેભાન થતાં તેને પોલિસની વાનમાં દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા લો-ગાર્ડન પાસે ટ્રાફિકના પ્રશ્નોને લઈ આ કાર્યવાહી કરી રોડ પરના તમામ લારીગલ્લા ઉઠાવી લેવાયાં હતાં.

દબાણ હટાવ કામગીરીના વિડીયો દ્રશ્ય