અમદાવાદઃ પોલિસ સ્ટેશનની સામે જ લાખોની મતા ચોરાઈ

0
3687

અમદાવાદ– મેટ્રોસિટી અમદાવાદમાં પોલિસના ખોફથી બેખોફ તસ્કરોએ માઝા મૂકી જનતાની પરસેવાની કમાણી લૂંટવાનું કૃત્ય કરી રહ્યાં છે. પોલિસ સ્ટેશનની સાવ નજીકમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સુરક્ષા અને સલામતીના સરકારના વચનો પોકળ બની રહે છે.નમૂનારુપે જોઇએ તો અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે જ તસ્કરો ડીવાઈન એવન્યુમાં ત્રાટક્યાં હતાં. નાઝરેથ કોલોનીના આ ફલેટમાં રહેતાં શિક્ષક પરિવારના ત્યાં લાખોની માલમતાની ચોરી થઇ ગઇ છે.

રાયખડની આઈ પી મિશન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સમીર પરમારના ફલેટમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. પરમાર પરિવાર પાંચ માળના ફલેટના ત્રીજા માળે રહે છે અને ગરમીને લઈ છત પર સૂવા માટે ગયાં હતાં. આરામની નીંદર માણતો પરિવાર સવારે ઘરમાં આવતાં બનાવની જાણ થઇ હતી.

તસકરોએ શિક્ષકના ઘરમાંથી ૩૦ તોલા સોનાના ઘરેણાં, ૩૫૦ અમેરિકન ડોલર, રોકડ રકમ સાથે પરિવારના પાંચેય સભ્યોના ઓરિજનલ પાસપોર્ટ પણ ચોરી ગયાં છે.