અમદાવાદ કોર્પોરેશનની 6500 કરોડની બજેટ દરખાસ્ત, થ્રી લેયર બ્રિજ બનાવાશે

અમદાવાદ– અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2018-19નું વાર્ષિક અંદાજપત્ર કમિશનર મુકેશકુમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ માટે કુલ 6500 કરોડ રુપિયાના અંદાજિત ખર્ચની દરખાસ્તો ધરાવતાં આ સામાન્ય બજેટ ડ્રાફ્ટમાં અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે કે કોઇ નવો ટેક્સ નાંખવામાં આવ્યો નથી. બજેટનું વલણ રોડ તેમ જ ટ્રાફિક સેફ્ટી પર કેન્દ્રિત છે. અમદાવાદના ખાડાવાળા રસ્તા અને ટ્રાફિકજામની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ચૂક્યાં છે.

દરખાસ્તમાં ડ્રેનેજ-સ્ટોર્મવોટર માટે 465 કરોડ, આવાસીય સુવિધાઓ માટે 272 કરોજ, પબ્લિક સુવિધાઓ માટે 123 કરોડ અને ફાયર સુવિધાઓ માટે 157 કરોડની જોગવાઇ દર્શાવવામાં આવી છે.

ખાસ તો, ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેની મોટી જોગવાઇ છે તેમાં આ વર્ષે નહેરુનગર અને પાલડી જંકશન પર થ્રીલેયર બ્રિજ બનાવાશે જેમાં એક લેયર બસો માટે હશે. ઉપરાંત શહેરમાં કુલ596 કરોડ રુપિયાના ખર્ચે 26 ઓવરબ્રિજ બનાવવાની દરશાસ્ત પણ છે. આ બજેટમાં શહેરના 200 કિલોમીટરના નવા રસ્તા બનાવવાની દરખાસ્ત છે તેમ જ રસ્તા ટકાઉ બનાવવા માટે રોડ ડિઝાઇન સેલની રચના કરાશે જેમાં રોડની ગુણવત્તા સુધારવા એક્સપર્ટ્સની સેવા લેવાશે.

અમદાવાદ શહેરના અન્ય કામો માટે પણ આગામી બજેટમાં ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. શહેરના તળાવો પાણી વિનાના હોય છે તેમાં ટ્રીટેડ સુએજ વોટર ઠાલવવા માટેની યોજના છે. નરોડા, વસ્ત્રાલ, શીલજ, લાંભા, સોલા, સૈજપુર અને મોટોરા વિસ્તારમાં આવેલાં પ્રમાણમાં મોટાતળાવોમાં આ પાણી ભરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.

શહેરને સ્માર્ટ બનાવવાની યોજનાના ભાગરુપે 45 સ્થળે ફ્રી વાઇફાઇ સ્પોટ, સર્વેલન્સ અને 6500 સીસીટીવી મૂકવાનો પ્રસ્તાવ છે. હવાની ગુણવત્તા માપવા માટે 50 સેન્સર મૂકવાનો ખર્ચ આવરી લેવાયો છે. ચિલ્ડ્રન પાર્ક, નારણપુરામાં વર્લ્ડક્લાસ સ્ટેડિયમ, એશજી હાઇવે પાર્કિગ સમસ્યા ઉકેલવા બહુમાળી પાર્કિંગની વ્યવસ્થાની વાત કરવામાં આવી છે.