મતદાન બાદ PMના રોડ શો સામે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ

અમદાવાદ- ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને આજે જ્યારે બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે સમયે મત આપ્યા પછી તેમણે આંગળી દર્શાવી હતી, અને ઉપસ્થિત જનમેદનીએ તેમનો ફોટા પાડ્યા હતા. જેનો કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

મતદાન કર્યા બાદ મોટી સંખ્યામાં આવેલા લોકોનું વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યું હતું આ સમયે રોડ શો જેવો માહોલ સર્જાતા કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોતે કહ્યું છેકે મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જે રોડ શો કર્યો હતો તે આચારસંહિતાનો ભંગ છે. આશોક ગહેલોતે ચૂંટણી પંચને આડે હાથ લેતા જણાવ્યું કે ચૂંટણી પંચ વડાપ્રધાન અને પીએમઓના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ચૂંટણી પંચે કલેક્ટરને તપાસ સોંપી છે, આ સમગ્ર મામલે કલેક્ટર તપાસ કરીને ચૂંટણી પંચને રિપોર્ટ સોંપશે.