ભાદરવી પૂનમઃ 17 દિ’એ અંબાજી પોગ્યો રાજકોટનો સંઘ, 1 kg સોનાનું દાન કરતાં ભક્ત

અંબાજીઃ અંબાજી ખાતે ભાદરવી પૂનમે આજે આદ્યશક્તિના ભક્તોનો મહેરામણ જોવા મળ્યો છે.રાજ્યભરમાંથી અંબાજી આવતાં પદયાત્રીઓ માટે આજે માતાજીના દર્શનનો અનેરો મહિમા હોય છે. આજે મેળાના અંતિમ દિવસે રાજકોટથી નિકળેલો એક અનોખો સંઘ આજે અંબાજી પહોંચ્યો હતો. આ સંઘ રાજકોટથી અંબાજી 17 દિવસે પહોંચે છે. અને રસ્તામાં રોજેરોજ અલગઅલગ પહેરવેશ કરી એક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ સંઘમાં પુરુષે ની સાથે અનેક મહિલાઓ પણ જોડાય છે. જેમનો પોતાનો પરંપારગત પહેરવેશ સાથે શણગાર સજી અંબાજી પહોંચે છે ને માં અંબા ધજા અર્પણ કરે છે. આ સંઘમાં આવતી મહિલાઓ પણ સશક્તિકરણનો દાખલો બેસાડતી હોય તેમ ખુલ્લી તલવારોથી રમતી હોય છે. આ સંઘ પોતે તો મોજ કરી અંબાજી પહોંચે અને સાથે અન્ય યાત્રિકોને પણ જાણે હિંમત આપતાં હોય તેવો છે.

ભક્તે કર્યું 1 કિલો સોનાનું દાન

યાત્રાધામ અંબાજીમાં ભરાયેલાં ભાદરવી પૂનમના મેળામાં અંદાજે 26 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન નો લાભ લીધો છે ને સાથે મંદિરના ભંડારા પણ ભરી દીધા છે. મેળાના અંતિમ દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટ અમદાવાદનાં એક દાતા નવનીતભાઇ શાહેં એક કિલો સોનાનું દાન અર્પણ કર્યુ હતુ. જેની કિંમત 31.90 લાખ થવા જાય છે. જોકે અંબાજી મંદિર ટ્રસ્ટને મેળા દરમિયાન કુલ 1.650 કિલો સોનાનું દાન ભક્તો દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીને નવરાત્રિ દરમિયાન પોતાને ગામ આવવાનું પણ આમંત્રણ પણ પાઠવી દીધું છે.

અંબાજીથી ચિરાગ અગ્રવાલનો અહેવાલ