અમદાવાદ સહિત 5 એરપોર્ટના સંચાલનની બીડ જીતતું અદાણી ગ્રુપ

નવી દિલ્હી– એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશના 6 એરપોર્ટના અપગ્રેડેશન અને સંચાલન માટે રજૂ કરેલી બીડ પૈકી 5 બીડ અદાણી ગ્રુપને મળી છે, એમ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. અદાણી ગ્રપે તમામ એરપોર્ટ માટે બહાર પાડવામાં આવેલી બીડ માટે અરજી કરી હતી, જેમાંથી પાંચ એરપોર્ટની બીડ મંજૂર કરાઈ છે. જેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનઉ એરપોર્ટને આગામી 50 વર્ષ સુધી સંચાલન કરવાની બીડ મંજૂર થઈ છે, છઠ્ઠા એરપોર્ટ માટે નાણાકીય બીડ ગુવાહાટી એરપોર્ટની હતી, જે મંગળવારે ખુલશે. જો કે આ અંગે હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી.

પાંચ એરપોર્ટના સંચાલનની બીડ મળતાની સાથે જ અદાણી ગ્રુપનો એવિએશન સેકટરમાં પ્રવેશ થશે. પ્રતિ પેસેન્જર સૌથી વધુ નાણા એરપોર્ટ ઓથોરિટીને આપનાર કંપનીને બીડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રેવન્યૂ શેરિંગ મોડલ બંધ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ એરપોર્ટનું ખાનગીકરણ રેવન્યૂ શેરિંગ મોડલના આધાર પર કરવામાં આવ્યું હતું.

વિવિધ એરપોર્ટના સંચાલન માટે જીએમઆર ગ્રુપે પણ અદાણીની સાથે બીડ કરી હતી. આજે સોમવારે જ્યારે ‘પર પેસેન્જર ફી’ (પીપીએફ) બીડ ખુલી તો અદાણી ગ્રુપના ફાળે પાંચ એરપોર્ટનું સંચાલન આવ્યું છે. અમદાવાદ માટે અદાણીએ રૂપિયા 177 અને જીએમઆર ગ્રુપે રૂપિયા 85ની બીડ ભરી હતી. તેવી જ રીતે જયપુરમાં અદાણીની રૂપિયા 174 અને જીએમઆરની 69 હતી. મેગ્લોંર માટે રૂપિયા 115 અને રૂપિયા 19 તેમજ ત્રિવેન્દ્રમ માટે રૂપિયા 168 અને રૂપિયા 63 અને લખનઉ માટે રૂપિયા 171 અને રૂપિયા 63 હતી.

જયપુર અને અમદાવાદ એરપોર્ટ માટે 7 બીડ આવી હતી. લખનઉ અને હુવાહાટી માટે 6, મેગ્લોંર અને ત્રિવેન્દ્રમ માટે 3 બીડ આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કુલ છ એરપોર્ટ માટે 10 બીડર્સ દ્વારા કુલ 32 બીડ મળી હતી.