સરકારનું નાક દબાવી યુનિટદીઠ 80 પૈસાનો વધારો લઈ લેતી વીજ કંપની અદાણી, એસ્સાર, ટાટા

અમદાવાદઃ સરકારે અદાણી, એસ્સાર અને ટાટા કંપની પાસેથી ખરીદાતી વીજળીના પ્રવર્તમાન વીજદરમાં પ્રતિ યુનિટ 40 થી 50 પૈસા સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે. મહત્વનું છે કે કોલસામાં ભાવ વધારાનું કારણ આપીને અદાણી, એસ્સાર અને ટાટાએ ગુજરાત સરકારને વર્તમાન કરારના ભાવે વીજળી આપવાનું બંધ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કમિટીની ભલામણો લેવાઈ હતી અને ત્યાર બાદ સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ત્રણેય કંપનીઓને વીજ દરમાં વધારો કરવાનો ઇન્કાર કરાયા બાદ રાજ્ય સરકારે કમિટીની રચના કરી હતી અને આ કમિટીની ભલામણોનો સરકારે મહદઅંશે સ્વીકાર કર્યો છે. સરકાર હવે ત્રણેય કંપનીઓને બોલાવીને સુધારેલા દર સાથેનો નવો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કરશે જેમાં એવી શરત મુકાશે કે 10 વર્ષ પછી આ પીપીએ રદ કરવાનો સરકારને સંપૂર્ણ અધિકાર રહેશે.

વીજળીની ખરીદી અંગે પણ સરકારનું નિયંત્રણ રહેશે. હાલ કોલસાનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 100 ડોલર છે, 110 ડોલર સુધીનો ભાવ થાય ત્યાં સુધી જ વધારાનો ભાવ કંપનીઓને મળશે.આ ત્રણેય કંપનીઓ પાસેથી સરકાર 5000 મેગાવોટ જેટલી વીજળી ખરીદે છે. આ કંપનીઓને વીજ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ પણ તેમના દર ટેરીફ ઓર્ડરમાં આવે છે.

આ કંપનીઓએ વીજળી આપવાનું બંધ કરતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી 4 રૂપિયાથી લઇને 7 રૂપિયા યુનિટના ભાવે વીજળી ખરીદવામાં આવે છે. જેથી ફ્યૂયલ સરચાર્જ વધારે છે. હાલ ફ્યૂયલ સરચાર્જ 1.71 રૂ. છે. જેમાં 13 પૈસાનો વધારો માંગવામાં આવ્યો છે. આ ત્રણેય કંપનીઓ વીજળી આપવાનું શરૂ કરશે તે પછી ફ્યૂયલ સરચાર્જમાં 8થી 10 પૈસાનો ઘટાડો થશે.