આજી ડેમમાંથી પાણી આટલા સમય સુધી મળશે, નર્મદાનીર મંગાશે

રાજકોટ– સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર રાજજોટમાં પીવાના પાણીના પ્રશ્ને હંમેશાનો કકળાટ રહ્યો હતો ત્યારે સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાના નીર ભરી પીવાનું પાણી સુરક્ષિત કરાયો હોવાનો સરકારે દાવો કર્યો હતો. જોકે ઊનાળો દસ્તક દે એ પહેલાં જ આજીમાં પીવાના પાણીનો જ્થ્થો મર્યાદિત સમયમાં પૂર્ણ થવાના સમાચાર મળી રહ્યાં છે.એકતરફ નર્મદા ડેમમાં જ પાણી ઓછું હોવાનું કહી ખેડૂતોને ઊનાળુ પાક ન લેવા જણાવાયું છે ત્યારે જેના નીરથી આજી ભરાય છે તે નર્મદા નીર ફરી ઠાલવવાં પડશે.ra

ચોમાસામાં ડેમ ઓવરફ્લો પણ થયો હતો. અને તેમાં સૌની યોજનાના પાણી ઠલવાયાં હતાં. એમાં હવે 31 માર્ચ સુધીનો જ પાણીનો જથ્થો હોવાનું કહેવાઇ રહ્યું છે. રાજકોટ વોટર વર્કસ શાખાના અધિકારીના જણાવ્યાં પ્રમાણે સૌની યોજના હેઠળ ફરીથી આજીમાં નર્મદાના જળ ઠાલવવા રજૂઆત કરવામાં આવશે. સૌની યોજનાના પાણી ઠાલવતા આડી 14 ફૂટ સુધી ભરાયો હતો અને રાજકોટની જનતા ખુશખુશાલ હતી કે પાણીની પારાયણ આ વર્ષે નહીં થાય.

હાલમાં રાજકોટમાં પીવાના પાણીની કોઇ તંગી નથી. આજીમાં 492 એમસીએફટી પાણી છે તેમાંથી દૈનિક 4 એમસીએફટી પાણી વપરાય છે. આજીના પાણી ખૂટે તો ભાદર ડેમના પાણીથી ચોમાસા સુધી પાણી મળી રહેશે તેવી વ્યવસ્થા હોવાનું જણાવાઇ રહ્યું છે.

આજીનું પાણી રાજકોટના મવડી, કોઠારીયા,ગ્રીનલેન્ડ,ગુરુકૂળ, મોરબી રોડ,લાલબહાદુર અને વિનોદનગર એરિયામાં પહોંચાડાય છે. તેમ જ ડેમનું પાણી સિંચાઇમાં વપરાતું નથી અને ફક્ત પીવાના પાણી તરીકે જ વાપરવામાં આવે છે. આજી ડેમમાંથી દૈનિક 200 એમએલડી પાણીનો જથ્થો હાલ વિતરિત કરાઇ રહ્યો છે.