આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક, અંતરિયાળ વિસ્તારોમાં આ સુવિધાની નેમ

ગાંધીનગરઃ આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન રુપાણીએ રાજ્યના અંતરિયાળ-છેવાડાના ગામોના સમ્યક અને સમતોલ વિકાસ માટે પેસા એકટ, જમીન સનદો, સિંચાઇ, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની વૃદ્ધિ માટે સંબંધિત વિભાગો વિશેષ કાળજી દાખવે તેવો પ્રેરક અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે છેવાડાના માનવી અને વિસ્તારોને પણ વિકાસની મુખ્ય હરોળમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પણ આરોગ્ય શિક્ષણની સુવિધા આદિજાતિ બાળકોને ઘર આંગણે મળે તે માટે મેડીકલ કોલેજીસ શરૂ કરી છે. તબીબો પણ ત્યાં સ્થાનિક ઉપલબ્ધ બનાવ્યા છે. આરોગ્ય સેવાઓની જેમજ શિક્ષણની અન્ય સુવિધાઓનો વ્યાપ વધુ વિસ્તારવો છે.

મુખ્યપ્રધાને આદિજાતિ વિસ્તારોમાં મુખ્યત્વે સિંચાઇ માટે પાણી, વીજળી, ફોરેસ્ટ એકટ, પંચાયતના નિયમો વગેરેને કારણે છેવાડાના ગામો-વંચિતોને જે નાની-મોટી સમસ્યાઓ હોય તેનું બધા જ સંબંધિત વિભાગો સાથે મળીને ઉકેલ-નિવારણ લાવે તે માટે માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે દેશના જે ૧૧૭ જિલ્લાઓને એસ્પીરેશનલ ડ્રીસ્ટ્રીકટ જાહેર કર્યા છે તેમાં ગુજરાતના બે આદિજાતિ જિલ્લા નર્મદા અને દાહોદનો સમાવેશ થયેલો છે. દાહોદે પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે નર્મદા ૧૭માંથી ૯માં ક્રમે આવી ગયુ છે ત્યારે હજુ વધુ આદિજાતિ વિકાસલક્ષી કાર્યોને વેગ આપીને નર્મદાને પણ આગળ લાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.