નેધરલેન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવી પહોંચ્યું, ત્રીજી વખત પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું

અમદાવાદઃ નેધરલેન્ડ્સના નાણાં અને કરવેરા તથા કસ્ટમ્સ વિભાગના પ્રધાન મેન્નો સ્નેલની આગેવાની હેઠળ નેધરલેન્ડ દેશનું એક પ્રતિનિધિ મંડળ મહાત્મા મંદિર એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત 2019ની મુલાકાત લઈ રહ્યું છે. નેધરલેન્ડ્સથી 54 સંસ્થાઓના 100 થી વધુ ડેલિગેટસ કે જેમાં 45 કંપનીઓ, 3 ટ્રેડ એસોસિએશન અને 5 થી 6 સરકારી એજન્સીઓ આ સમીટમાં આવી રહી છે. સમીટનું આ કદાચ સૌથી મોટું પ્રતિનિધિ મંડળ બનશે. નેધરલેન્ડ્સ કે જે સતત ત્રીજી વખત પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થઈ રહ્યું છે તે કન્ટ્રી સેમિનારનું આયોજન કરશે, જેમાં ભાગ લેનાર ડચ કંપનીઓ સાથે સંવાદ થશે અને તેમની પ્રોડક્ટસ અને સર્વિસીસ સંબંધિત વર્ગ સમક્ષ  રજૂ કરાશે. આ ઉપરાંત વિવિધ પ્રતિનિધિઓ થિમેટીક સેમિનારના ચર્ચામાં પણ સામેલ થશે.

વાયબ્રન્ટ ગુજરાત 2019માં નેધરલેન્ડઝ દ્વારા જે 4 ક્ષેત્રો પર ઝોક મૂકવામાં આવશે તેમાં (1) ફૂડ, કૃષિ અને બાગાયત (2) સ્માર્ટ સીટીઝ (3) રિન્યુએબલ ઉર્જા (4) લોજીસ્ટીક્સ અને મેરીટાઈમનો સમાવેશ થાય છે. નેધરલેન્ડ્સની કંપનીઓ ભારતની કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ સરકારી વિભાગો અને નેધરલેન્ડ્સમાં રોકાણ કરવામાં રસ ધરાવતા સંભવિત ભારતીય રોકાણકારો સાથે બિઝનેસના સંપર્કો સ્થાપવા માટે આ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરશે.

કમિશ્નર (ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ), નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઓફિસ, અમદાવાદના આમલાન બોરા જણાવે છે કે “ટેકનોલોજી ટ્રાન્સફર, સંશોધન અને વિકાસ, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીઓ ઉપર હસ્તાક્ષર કરવાની આ સમીટમાં અપેક્ષા છે. ભારત અને નેધરલેન્ડ્સ બંનેએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતમાં નેધરલેન્ડ્સના રાજદૂત એચ.ઈ. માર્ટિન વાન ડેન બર્ગ SDGs ની ખાતરી માટે કટિબધ્ધ છે અને તે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવા માટે મહત્વની ભૂમિકા બજાવશે.”

વાયબ્રન્ટ ગુજરાત 2017માં સમજૂતિના 8 કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે 60 ટકા સફળ ગણાયા છે. આમાં સેપ્ટ અને યુનિવર્સિટી ઓફ આર્મસ્ટડમ, સુરત શહેર અને રોટરડમ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પોર્ટ ઓફ રોટરડમ તથા સીડ વેલી ફેડરેશન અને ગુજરાત સ્ટેટ સીડઝ કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

નેધરલેન્ડ્સ  દ્વારા ભારતમાં વિવિધ પ્રોજેક્ટસમાં કરવામાં આવેલા મૂડી રોકાણ અંગે વાત કરતાં  બોરાએ જણાવ્યું હતું કે “આજ સુધીમાં જે  રોકાણ થયું છે તેમાં અંદાજે 2.7 અબજ યુરોનું મૂડી રોકાણ હજીરા પોર્ટ, ડીએસએમ વડોદરા અને વોપેક કંડલામાં થયું છે.”

હકિકતમાં નેધરલેન્ડ્સ  ગુજરાતના કદ કરતાં એક તૃતિયાંશ જેટલું કદ ધરાવતું હોવા છતાં અને ખેતી માટે ખાસ સાનુકૂળ સંજોગો નહીં હોવા છતાં ખેત પેદાશોનું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ નિકાસકાર છે અને માત્ર અમેરિકા જ તેનાથી આગળ છે. આ દેશ ઉત્તમ સુરક્ષિત વાવણી અને ભારતની સ્થિતિને અનુકૂળ બની રહે તેવી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટેક્નિકસનો અમલ કરવામાં માને છે.

ગુજરાત માટે 1600 કી.મી.નો સાગરકાંઠો આશિર્વાદરૂપ છે. ભારતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 175 ગીગા વોટ સુધીની ક્ષમતાએ પહોંચવાની જરૂરિયાત માટે પેરિસ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાત એમાં 12 ટકાનું યોગદાન આપે છે અને અહિં વ્યાપક સંભાવનાઓ પડેલી છે. નેધરલેન્ડ્સ ની ટેકનોલોજી અને ઈનોવેશન્સ સાથે બંધ બેસે તે રીતે ઓફ્ શોર અને ઓન શોર ક્ષેત્રની પવન ઉર્જા ક્ષેત્રની ક્લસ્ટર કંપનીઓ વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમ્યાન ગુજરાતની મુલાકાત લઈ રહી છે.

આ વર્ષે વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણલક્ષી વિકાસ જળવાઈ રહે તે માટે  ટેક્સટાઈલ સેક્ટરમાં કચરાના શુધ્ધિકરણ ઉપરની ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બંને ક્ષેત્રોની ડચ કંપનીઓ અદ્યતન નવી ટેકનોલોજી સાથે સમીટમાં જોડાઈ રહી છે.

વર્ષ 2040 સુધીમાં ફ્લાઈંગ કારનું માર્કેટ 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે તેવી અપેક્ષા છે. પાલ વી નામની એક ઈનોવેટીવ ડચ કંપની પણ આ સમીટની મુલાકાત લઈ રહી છે. પાલ વી ફ્લાઈંગ કારના વિવિધ વેરિયન્ટનું ઉત્પાદન કરે છે અને 2019માં કે વર્ષ 2020ના પ્રારંભમાં પ્રથમ ગ્રાહકને ડીલીવરી આપવાનું આયોજન ધરાવે છે.