ગીરમાંથી 8 ડાલામથ્થા સાવજને યુપીના સૈફઇમાં લઇ જવાશે

જૂનાગઢઃ ગુજરાતના સિંહોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. ગુજરાતના જૂનાગઢમાં આવેલા શક્કરબાગ ઝૂમાંથી 8 જેટલા સિંહોને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે. ગોરખપુરમાં બની રહેલા નવા ઝુમાં ગિરના ડાલામથ્થાને મોકલવા માટે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.

જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહને સૈફ સુરક્ષિત રીતે વિમાન મારફતે UP ખસેડવામાં આવશે. જૂનાગઢના આ 8 સિંહોમાં 5 માદા અને 3 નર સિંહનો એરલીફ્ટ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ સિંહોને સૈફઈથી ઈટાવા સફારી પાર્કમાં લઇ જવામાં આવશે.

ત્યારબાદ કેટલાક સિંહને ગોરખપુરમાં નિર્માણાધીન ઝૂમાં મોકલવામાં આવશે. ગુજરાતના સિંહોને યૂપીમાં લઇ જવામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે 2750 વર્ગ મીટરનું પીંજરું બનાવવામાં આવશે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના સીએમ અને ગુજરાતના સીએમ વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 8 સિંહના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી છે.