રાજકોટઃ પબજી રમતા 7 લોકોની પોલીસ દ્વારા અટકાયત…

રાજકોટઃ પબજી…એક એવી ગેમ કે જે યુવાનો અને બાળકોના મગજ પર સીધી અસર કરે છે. અને સમય જતા પબજી રમતા વ્યક્તિને આ ગેમનું એવું વ્યસન થઈ જાય છે કે તે કોઈપણ કાળે અને કોઈપણ પરિસ્થિતીમાં પબજી રમ્યા વગર નથી રહી શકતો. ત્યારે રાજકોટ પોલીસ પબજી ગેમ મામલે એક્શનમાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ પર થોડા દિવસો પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પરંતુ શહેરમાં કેટલાક લોકો, કોઈને ખબર ન પડે તેમ પબજી ગેમ રમી રહ્યા હતા. ત્યારે આવા લોકો સામે આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પબજી ગેમ રમતા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

થોડાક દિવસ પહેલા શહેર કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં પોલીસને આ ગેમ રમાતી હોવાની માહિતી મળતાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હકીકત એ છે કે, પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જાય છે. આ ગેમના કારણે બાળકોનું ભણતર પણ બગડે છે, જેથી તેમના વાલીઓની અવાર નવાર ફરિયાદ રહેતી હોય છે. ત્યારે શહેર પોલીસે 7 લોકોની ધરપકડકરીને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. તમને જણાવી દઇએ કે, રાજકોટમાં 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થયો છે.