ભાદરવી પૂનમને લઈ અંબાજી મેળામાં અવનવી રંગછટાઓ, દર્શનનો સમય…

અંબાજી- કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજીમાં ભાદરવી મહામેળાની હવે જમાવટ થઇ રહી છે. લીલીછમ હરિયાળી અને પ્રકૃતિની નયનરમ્યતાવાળા દિવ્ય વાતાવરણમાં માઇભક્તો અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યાં છે. અગિયારસથી મિનીકુંભ જેવો માહોલ સર્જાયો છે, અને મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. હાલ અંબાજી તરફ જતાં બધા રસ્તાઓ ઉપર ભરચક માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે.  અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર પીવાનું પાણી,આરોગ્ય,લાઇટની સૂવિધા, વિસામા કેન્દ્રો અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ઠેરઠેર જોવા મળે છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. રસ્તાઓ ઉપર ગરબાઓની રમઝટ જામી રહી છે. માતાજીના રથ સાથે યાત્રિકો ગરબે રમતાં-ઝૂમતાં અંબાજી પહોંચી રહ્યાં છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત,ગરબાના તાલે માઇભક્તો ઝૂમી રહ્યા છે.

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસા યંત્રની પૂજા થાય છે.

વીસાયંત્રના શણગારને મુગટ તથા ચદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર શુધ્ધ સોનામાંથી બનાવેલ છે. એક માન્યતા મુજબ આ શ્રી યંત્ર છે. કૂર્મ પુષ્‍ઠવાળુ આ યંત્ર સોનાનું છે જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે. આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે. આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પૂજા કરે છે. દર આઠમે વીસાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે હવન-યજ્ઞ સાથે વીસાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે.

ભાદરવી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી ઉમટી રહ્યાં છે, ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળા પ્રસંગે દર્શનના સમયમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

દર્શનનો સમય નીચે પ્રમાણે છે…

  • આરતી સવારે-૬.૧૫ થી ૬.૪૫
  • દર્શન સવારે- ૬.૪૫ થી ૧૧.૩૦
  • રાજભોગ- ૧૨.૦૦
  • દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦
  • આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦
  • દર્શન સાંજે-૧૯.૩૦ થી ૧.૩૦

અહેવાલ-ચિરાગ અગ્રવાલ