રેશન ડીલરોની હડતાળનો 2 બીજો દિવસ, 1લી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન

ગાંધીનગર- ગુજરાત રાજ્ય ફેરપ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની પડતર માગણીઓને લઈને આજે બીજા દિવસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. ધરણા પ્રદર્શનના આજે બીજા દિવસે સરકારે કોઈ હકારાત્મક અભિગમ ન દાખવતા આગામી 1લી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એસોસિએશનની કોર કમિટિ અને કારોબારી બેઠકમાં એલાન કરવામાં આવ્યું છે.

આજે બીજા દિવસે રેશન દુકાનદારો અને શિક્ષકો દ્વારા રેલી સ્વરૂપે વિધાનસભા ઘેરવાની તૈયારીને પગલે દુકાનદારોની સાથે શિક્ષકોને પણ ગાંધીનગરમાં આવતા રોકવામાં આવ્યાં હતાં.

બજેટમાં સસ્તા અનાજના દુકાનદારોના કમીશન વધારાની જાહેરાત કરવામાં આવ્યા બાદ 100 કિલોએ રૂા.23નું કમીશન વધારવામાં આવ્યું છે. આ કમીશન ખુબ જ ઓછુ હોવાની ફરિયાદ સસ્તા અનાજના દુકાનદારો કરી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા કાર્ડ ધારકોને ઘઉં-ચોખા આપવામાં આવતો હતો. આ જથ્થો પણ બંધ કરી દેવામાં  દુકાનદારોને પડયા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ એપીએલ કાર્ડ ધારકોને ફાળવવામાં આવતું કેરોસીન પણ તંત્ર દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા દુકાનદારોને દર મહિને મળતુ 8થી 10 હજાર જેટલુ કમીશન પણ બંધ થઇ જાય તેવી શકયતા છે. સરકારની જાહેરાતોને કારણે સસ્તા અનાજના દુકાનદારોની  કફોડી બની ચૂકી છે.