ગુજરાતમાં ૨૬ સુપર કોમ્પ્યૂટિંગ લેબની રચના થશે

ગાંધીનગર- સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા એન્જીનિયરિંગ અને બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે ૨૬ બાયો ઇન્ફોર્મેટીકસ લેબ, ડિઝાઇન લેબ અને પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની ૨૬ મહત્વની યુનિવર્સિટીઓ, કોલેજો, સંસ્થાઓમાં રૂ. ૩૪૩ લાખના ખર્ચે નિર્માણ થનાર આ લેબથી જૈવિક માહિતી, ડીએનએ અને જીનોમનું વિશ્લેષણ સરળ બનશે.

આ લેબ થવાથી એન્જીનીયરિંગ અને બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાઈ પરફોર્મન્સ સુપરકોમ્પ્યુટિંગ દ્વારા અત્યાધુનિક ડેટા પ્રોસેસીંગ, કોમ્પ્યુટર સીમ્યુલેશન તેમજ ડેટા એનાલિસીસ શક્ય બનશે. ડિઝાઈન લેબ દ્વારા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા સંશોધકોની સર્જનાત્મક ક્ષમતા વધશે અને રાજ્યમાં ઇનોવેશન કલ્ચરને વેગ મળશે. તેમ જ ગુજરાતની ૨૬ યુનિવર્સિટીઓને અદ્યતન હાઈ પરફોર્મન્સ સુપરકોમ્પ્યુટિંગ સર્વર્સ, વર્કસ્ટેશન તેમજ જીનોમના વિશ્લેષણ માટેના આધુનિક સોફ્ટવેર પેકેજીસ જેવી સવલતોથી સુસજજ કરવામાં આવશે. આવી સુવિધાઓના લાભથી રાજ્યના સંશોધકો વિવિધ પ્રકારના ડેટાબેઝ, જીનોમ એનાલીસીસ પાઈપલાઈન્સ અને એપ્લીકેશન ડેવલપમેન્ટ કરવા સક્ષમ બનશે. આ ફેસેલિટી દ્વારા રાજ્યમાં બાયોટેકનોલોજી અને એન્જીનિયરિંગ ક્ષેત્રે પ્રોડક્ટ, પ્રોસેસ ડેવલપમેન્ટ તેમજ વિવિધ સમસ્યાઓના નિવારણનો સમયગાળો ટૂંકો કરી શકાશે અને રાજ્યના વિકાસમાં પોતાનું આગવું યોગદાન પૂરૂં પાડશે એવી સંભાવનાઓ છે.

સરકાર દ્વારા બાયોટેકનોલોજી અને બાયોઇન્ફર્મેટિક્સના વિકાસ માટે અતિ આધુનિક સુવિધાઓ સાથે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવેલી છે, કે જે રાજ્યના સંશોધકોને રીસર્ચ ફેસેલિટી પૂરી પાડશે.