અમદાવાદમાં રોડ તૂટવાના મામલે 26 એન્જીનિયરોને નોટિસ

અમદાવાદ– ચાલુ વર્ષે અમદાવાદમાં વરસાદને કારણે ઠેર-ઠેર રોડરસ્તા તૂટી ગયા છે, અને લોકોને આજની તારીખે પણ હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. ગુજરાત સરકાર પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે લાલ આંખ કરી હતી પણ કોણ જાણે કોર્પોરેશનનું તંત્ર સાવ નીદર માણી રહ્યું છે. હવે રહીરહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 26 જેટલા એન્જિનિયરોને નોટિસ પાઠવી છે. અને આ કાર્યવાહીને કોર્પોરેશનના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

રોડ તૂટવાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે 26 એન્જિનિયરોને નોટિસ આપી, જેમાં 7 એડિશનલ એન્જિનિયર, 19 ડેપ્યુટી સિટી એન્જિનિયરને નોટિસ પાઠવી છે. કોર્ટમાં મુકાયેલા રીપોર્ટ પૈકી 45 કેસમાં નોટિસ અપાઈ છે. 45 કેસમાં કુલ 81 નોટિસ ફટકારાઈ છે, તેમાં કેટલાય એવા અધિકારી છે જેને એકથી વધારે નોટિસ ફટકારવામાં આવી છે.

ચૂંટણી પહેલા જ કોર્પોરેશન દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમાં પણ રોડના લેવલ પ્રમાણે રસ્તો રીસરફેસ કરાયો નથી. જ્યાં ત્યાં ડામર પાથરી દીધો હતો. ચોમાસું ગયાને પાંચ મહિના ગયા હજી સુધી રસ્તા સરખા થયા નથી.